9
હારુન અર્પણો ચઢાવે છે
આઠમા દિવસે મૂસાએ હારુનને, તેના પુત્રોને તથા ઇઝરાયલના વડીલોને બોલાવ્યા. તેણે હારુનને કહ્યું, “તું પશુઓના ટોળામાંથી ખામી વગરનો એક બળદ પાપાર્થાર્પણને માટે તથા દહનીયાર્પણને માટે ખામી વગરનો એક ઘેટો લઈને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કર.
તું ઇઝરાયલી લોકોને કહે કે, ‘તમે પાપાર્થાર્પણને માટે એક બકરો અને દહનીયાર્પણને માટે એક વાછરડો તથા ઘેટો, બન્ને એક વર્ષના તથા ખામી વગરના લેવા. આ ઉપરાંત શાંત્યર્પણોને માટે યહોવાહની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ, એક ઘેટો તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો, કેમ કે યહોવાહ આજે તમને દર્શન આપશે.’ આથી જે વિષે મૂસાએ તેઓને આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇઝરાયલની સમગ્ર પ્રજા યહોવાહની સમક્ષ આવીને ઊભી રહી.
પછી મૂસાએ કહ્યું, “યહોવાહે તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે, તમને યહોવાહના ગૌરવનું દર્શન થશે.” મૂસાએ હારુનને કહ્યું, “વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ અને તારે પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત કર અને લોકોનું અર્પણ ચઢાવ અને તેઓને માટે પ્રાયશ્ચિત કર. જેમ યહોવાહે આજ્ઞા આપી તેમ.”
માટે હારુન વેદી પાસે ગયો અને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો. હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ પ્રસ્તુત કર્યું અને તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત વેદીનાં શિંગ ઉપર લગાડ્યું; પછી તેણે બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દીધું.
10 પણ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કલેજા પરની ચરબી એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ. 11 અને માંસને બાળીને તેણે તે છાવણી બહાર મૂક્યું.
12 હારુને દહનીયાર્પણને કાપ્યું અને તેના પુત્રોએ તેને રક્ત આપ્યું, જે તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું. 13 પછી તેઓએ તેને એક પછી એક, દહનીયાર્પણના ટુકડા તથા માથું આપ્યા અને તેણે વેદી પર તેમનું દહન કર્યું. 14 તેણે આંતરડાં અને પગો ધોઈ નાખ્યાં અને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું.
15 હારુને લોકોનું અર્પણ રજૂ કર્યું, લોકોના પાપાર્થાર્પણના બકરાંને લઈને પહેલાં બકરાની જેમ તેને કાપીને પાપને લીધે તેનું અર્પણ કર્યું. 16 તેણે દહનીયાર્પણ રજૂ કર્યું અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેનું અર્પણ કર્યું. 17 તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું; તેમાંથી એક મુઠ્ઠી લઈ સવારના દહનીયાર્પણ સાથે વેદી પર તેનું દહન કર્યું.
18 તેણે લોકોના શાંત્યર્પણ માટે બળદ અને ઘેટાંને કાપીને તેઓનું અર્પણ કર્યું. હારુનના પુત્રોએ તેને રક્ત આપ્યું, જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું. 19 બળદના ચરબીવાળા ભાગો, ઘેટાંની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કલેજા પરની ચરબીવાળો ભાગ લીધા.
20 તેઓએ છાતી પર ચરબી મૂકી અને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું. 21 મૂસાની આજ્ઞા પ્રમાણે હારુને પશુઓની છાતીના ભાગો અને જમણી જાંઘ ઊંચી કરીને યહોવાહને બલિદાન તરીકે અર્પણ કર્યું.
22 પછી હારુને પોતાના હાથ ઊંચા કરીને લોકોને આશીર્વાદ આપ્યો; પછી પાપાર્થાર્પણ, દહનીયાર્પણ તથા શાંત્યર્પણના અર્પણ કરીને તે નીચે ઊતર્યો. 23 મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા, પછી ફરીથી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યો અને બધા લોકોને યહોવાહના ગૌરવના દર્શન થયા. 24 યહોવાહની સંમુખથી અગ્નિ આવ્યો અને વેદી પરના દહનીયાર્પણને તથા ચરબીવાળા ભાગોને ભસ્મ કર્યાં. જ્યારે સર્વ લોકોએ આ જોયું, ત્યારે તેઓ પોકાર કરવા લાગ્યા અને જમીન પર ઊંધા પડ્યા.