13
મદદ માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
1 હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો?
2 આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને
ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ?
ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચઢી વાગશે?
3 હે યહોવાહ, મારા ઈશ્વર, ધ્યાન આપીને મને ઉત્તર આપો!
મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.
4 રખેને મારો શત્રુ એમ કહે કે, “મેં તેને હરાવ્યો છે,”
જેથી તે એમ પણ ન કહે કે, “મેં મારા દુશ્મનો પર વિજય મેળવ્યો છે;” નહિ તો, જ્યારે હું પડી જાઉં, ત્યારે મારા શત્રુઓ આનંદ કરે.
5 પણ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે;
તમે કરેલા ઉદ્ધારમાં મારું હૃદય હર્ષ પામે છે.
6 યહોવાહની આગળ હું ગાયન ગાઈશ,
કારણ કે તે મારા પર કૃપાવાન થયા છે.