યોહાનનો પહેલો પત્ર
લેખક
પત્ર પોતે લેખકની ઓળખ આપતો નથી, પણ મંડળીની દ્રઢ, સુસંગત અને સૌથી શરૂઆતની સાક્ષી યોહાન જે શિષ્ય અને પ્રેરિત હતો તેને લેખક ગણાવે છે (લૂક 6:13,14). જો કે આ પત્રોમાં યોહાનનું નામ દર્શાવેલું નથી તો પણ, ત્રણ પ્રબળ નિશાનીઓ લેખક તરીકે તેની તરફ નિર્દેશ કરે છે. પ્રથમ તો, બીજી સદીની શરૂઆતના લેખકો લેખક તરીકે યોહાનનો ઉલ્લેખ કરે છે. બીજું, આ પત્રો યોહાનની સુવાર્તાનાં જેવું શબ્દભંડોળ તથા લેખનશૈલી ધરાવે છે. ત્રીજું, લેખક લખે છે કે તેણે ઈસુના શરીરને જોયું હતું તથા તેને સ્પર્શ કર્યો હતો, કે જે પ્રેરિત યોહાન વિષે તદ્દન સાચું હતું (1:1-4; 4:14).
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 85 થી 90 ની વચ્ચેનો છે.
યોહાને આ પત્ર તેના જીવનના પાછલા ગાળામાં એફેસસમાં લખ્યો હતો કે જ્યાં તેણે પોતાની વૃદ્ધાવસ્થાનો મોટા ભાગનો સમય વિતાવ્યો હતો.
વાંચકવર્ગ
આ પત્રના વાંચકવર્ગને પત્રમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યો નથી. તો પણ, વિષયવસ્તુ દર્શાવે છે કે યોહાને વિશ્વાસીઓને લખ્યું હતું (1:3-4; 2:12-14). તે શક્ય છે કે તેને ઘણા સ્થળોના સંતોને સંબોધીને લખવામાં આવ્યો હતો. જેમ 2:1 માં લખ્યું છે કે, “મારા નાનાં બાળકો” તેમ તેને સામાન્ય રીતે દરેક સ્થળના ખ્રિસ્તીઓ માટે લખવામાં આવ્યો છે.
હેતુ
યોહાને સંગતને પ્રોત્સાહન આપવા કે જેથી તેઓ આનંદથી ભરપૂર થાય, તેઓને પાપ કરતા રોકવા, વિશ્વાસીઓને ઉદ્ધારની પૂરી ખાતરી પમાડવા તથા વિશ્વાસીઓને ખ્રિસ્ત સાથે વ્યક્તિગત સંગતમાં લાવવા લખ્યું હતું. યોહાને ખાસ કરીને જૂઠા શિક્ષકોના પ્રશ્નને સંબોધિત કર્યો હતો કે જેઓ મંડળીથી અલગ થયા હતા અને લોકોને સુવાર્તાનાં સત્યથી દૂર લઈ જવા માંગતા હતા.
મુદ્રાલેખ
ઈશ્વર સાથે સંગત
રૂપરેખા
1. દેહધારીપણાની વાસ્તવિક્તા — 1:1-4
2. સંગત — 1:5-2:17
3. છેતરપિંડીની ઓળખ — 2:18-27
4. વર્તમાનમાં પવિત્ર જીવન જીવવા ઉત્તેજન — 2:28-3:10
5. ખાતરીના આધાર તરીકે પ્રેમ — 3:11-24
6. જૂઠા આત્માઓની પારખ — 4:1-6
7. પવિત્રીકરણના આવશ્યક તત્વો — 4:7-5:21
1
જીવનનો શબ્દ
1 જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ. 2 તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ.
3 હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ જાહેર કરીએ છીએ; અને ખરેખર અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. 4 અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.
ઈશ્વર પ્રકાશ છે
5 હવે જે સંદેશો અમે તેમના દ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી. 6 જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. 7 પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.
8 જો આપણે કહીએ કે, આપણામાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી. 9 જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. 10 જો આપણે કહીએ કે, આપણે પાપ કર્યું નથી, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી.