3
ડહાપણ માટે સુલેમાનની પ્રાર્થના
2 કાળ. 1:3-12
1 સુલેમાને મિસરના રાજા ફારુનની સાથે સંબંધ બાંધીને તેની દીકરી સાથે લગ્ન કર્યું. તે પોતાનો મહેલ, યહોવાહનું ભક્તિસ્થાન તથા યરુશાલેમની ફરતે દીવાલ બાંધી રહ્યો, ત્યાં સુધી તેણે ફારુનની દીકરીને દાઉદનગરમાં રાખી. 2 લોકો ધર્મસ્થાનોમાં અર્પણ કરતા, કેમ કે તે દિવસો સુધી યહોવાહના નામનું ભક્તિસ્થાન બાંધવામાં આવ્યું નહોતું. 3 સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવાહ પર પ્રેમ રાખતો હતો, તે ધર્મસ્થાનોમાં અર્પણ કરતો હતો અને ધૂપ બાળતો હતો.
4 રાજા ગિબ્યોનમાં અર્પણ કરવા ગયો, કેમ કે તે મોટું ધર્મસ્થાન હતું. તે વેદી પર સુલેમાને એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં. 5 ગિબ્યોનમાં યહોવાહે રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”
6 તેથી સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, ન્યાયીપણાથી તથા તમારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મોટી કૃપા પણ કરી. તમે તેમના પર આ મોટી કૃપા કરી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.
7 હવે હે યહોવાહ મારા ઈશ્વર, તમે આ તમારા દાસને મારા પિતા દાઉદને સ્થાને રાજા કર્યો છે, હું તો હજી માત્ર નાનો બાળક છું. કેવી રીતે બહાર જવું અથવા અંદર આવવું તે હું જાણતો નથી. 8 તમારા પસંદ કરેલા લોકો કે, જે એક એવી મહાન પ્રજા છે, જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહિ તેઓ મધ્યે તમારો સેવક છે. 9 માટે તમારા લોકોનો ન્યાય કરવા મને તમારા સેવકને વિવેક અને બુદ્વિવાળું હૃદય આપો, કે જેથી સાચા અને ખોટાનો તફાવત હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”
10 સુલેમાનની વિનંતીથી પ્રભુ પ્રસન્ન થયા. 11 તેથી ઈશ્વરે તેને કહ્યું, “તેં યોગ્ય માગણી કરી છે અને પોતાના માટે લાબું આયુષ્ય માગ્યું નથી. વળી તેં પોતાને માટે સંપત્તિ અથવા તારા દુશ્મનોના જીવ માગ્યા નથી, પણ ન્યાય કરવા માટે બુદ્ધિ માગી છે, 12 તે માટે મેં તારી ઇચ્છા પ્રમાણે કર્યું છે. મેં તને જ્ઞાની તથા વિવેકબુદ્ધિવાળું હૃદય આપ્યું છે. હવે કૌશલ્ય અને બુદ્ધિમતામાં તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી અને હવે પછી તારા જેવો કોઈ થશે પણ નહિ.
13 વળી તેં જે માગ્યું નથી તે પણ એટલે દ્રવ્ય તથા સન્માન, એ બન્ને મેં તને આપ્યાં છે. તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહિ. 14 જો તું તારા પિતા દાઉદની જેમ મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગે ચાલશે, તો હું તને લાંબુ આયુષ્ય આપીશ.”
15 પછી સુલેમાન જાગ્યો, તો જુઓ, એ તો સ્વપ્ન હતું. તે યરુશાલેમ આવ્યો અને પ્રભુના કરારકોશ આગળ ઊભો રહ્યો. તેણે દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવ્યાં અને પોતાના સર્વ ચાકરોને મિજબાની આપી.
કપરા દાવામાં સુલેમાનનો ચુકાદો
16 પછી બે સ્ત્રીઓ જે ગણિકા હતી તે રાજા પાસે આવીને ઊભી રહી. 17 તેમાંની એક સ્ત્રીએ કહ્યું, “હે મારા માલિક, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ અને જે ઘરમાં હું તેની સાથે રહું છું તેમાં મેં એક બાળકને જન્મ આપ્યો.
18 મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ એક બાળક જનમ્યું. અમે એકસાથે રહેતાં હતાં. અમારી સાથે ઘરમાં બીજું કોઈ નહોતું, પણ અમે બે જ ઘરમાં હતાં. 19 આ સ્ત્રીનો દીકરો રાત્રે મરણ પામ્યો, કારણ કે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો દીકરો તેનાથી દબાઈ ગયો હતો. 20 તેથી તેણે મધરાત્રે ઊઠીને આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારા દીકરાને મારી પાસેથી લઈ જઈને પોતાની પાસે સુવડાવ્યો અને તેના મરણ પામેલા દીકરાને મારી પાસે સુવડાવ્યો.
21 જયારે હું સવારમાં મારા બાળકને દૂધ પીવડાવવા ઊઠી, ત્યારે તો તે મરણ પામેલો હતો. પણ મેં તેને સવારમાં ધ્યાનથી જોયો, તો તે મારાથી જન્મેલો મારો દીકરો નહોતો.” 22 પછી બીજી સ્ત્રી બોલી, “ના, જે જીવતો દીકરો છે તે તો મારો છે અને જે મરણ પામેલો છે તે તારો દીકરો છે.” પ્રથમ સ્ત્રીએ કહ્યું, “ના, મરણ પામેલો દીકરો તારો છે અને જે જીવતો છે તે મારો છે.” આમ તેઓએ રાજા આગળ વિવાદ કર્યો.
23 પછી રાજાએ કહ્યું, “એક કહે છે, ‘આ જીવતો તે મારો દીકરો છે અને મરણ પામેલો તે તારો દીકરો છે.’ અને બીજી કહે છે, ‘ના, મરણ પામેલો દીકરો તારો છે અને જીવતો દીકરો મારો છે.’ 24 રાજાએ કહ્યું, “મને એક તલવાર લાવી આપો.” તેઓ રાજા પાસે એક તલવાર લાવ્યા. 25 પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના ઉપરથી નીચે બે સરખા ભાગ કરીને એકને અડધો ભાગ અને બીજીને અડધો ભાગ આપો.”
26 પછી જે સ્ત્રીનો દીકરો જીવતો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેનું હૃદય ભરાઈ આવ્યું હતું. તેણે કહ્યું, “હે મારા માલિક, તે સ્ત્રીને જીવતો દીકરો આપો અને ગમે તે હોય પણ તેને મારી તો ન જ નાખો.” પણ બીજી સ્ત્રીએ કહ્યું, “તે મારો પણ ન થાય તેમ જ તારો પણ ન થાય. તેના બે ભાગ કરો.” 27 પછી રાજાએ જવાબ આપ્યો, “જીવતો દીકરો પહેલી સ્ત્રીને આપો. કેમ કે તે જ તેની માતા છે, દીકરાને મારી નાખો નહિ.” 28 રાજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.