1 શમુએલ
લેખક
આ પુસ્તક તેના લેખક વિષે દાવો કરતું નથી. તો પણ, શમુએલે તે લખ્યું હોય શકે, અને તેણે ચોક્કસ 1 શમુએલ 1:1 - 24:22 ની માહિતી પૂરી પાડી હશે કે જે તેના જીવન અને જીવનના અંત સુધીના સેવાકાર્યનું જીવનચરિત્ર છે. તે ખૂબ જ સંભવિત છે આ પુસ્તકનો કેટલોક ભાગ શમુએલ પ્રબોધકે લખ્યો હતો. 1 શમુએલનું પુસ્તક લખવામાં ફાળો આપનાર બીજા પ્રબોધકો અને ઇતિહાસકારો નાથાન અને ગાદ છે. (1 કાળવૃતાંત 29:29).
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1050 થી 722 વચ્ચેનો છે.
લેખકે આ પુસ્તક ઇઝરાયલ તથા યહૂદા વચ્ચે રાજ્યના ભાગલા થયા તે બાદ લખ્યું હતું કારણ કે ઇઝરાયલ અને યહૂદા એમ બે વિશેષ એકમો વિષેના ઘણા સંદર્ભો આ સ્પષ્ટ કરે છે (1 શમુએલ 11:8; 17:52; 18:16; 2 શમુએલ. 5:5; 11:11; 12:8; 19:42-43; 24:1, 9).
વાંચકવર્ગ
પુસ્તકના મૂળ વાંચકો ઇઝરાયલ તથા યહૂદાની વિભાજિત રાજાશાહીના સભ્યો હતા કે જેઓને દાઉદના રાજવંશની માન્યતા અને હેતુ સંબંધી ઈશ્વરીય દ્રષ્ટિકોણની જરૂર હતી.
હેતુ
પ્રથમ શમુએલનું પુસ્તક કનાન દેશમાં ઇઝરાયલ કે જેઓ ન્યાયાધીશોના શાસનમાંથી રાજાઓ હેઠળના સંગઠિત રાષ્ટ્રમાં બદલાય છે તેનો ઇતિહાસ નોંધે છે. શમુએલ અંતિમ ન્યાયાધીશ તરીકે ઉભરે છે અને તે શાઉલ અને દાઉદ એમ બે પ્રથમ રાજાઓનો અભિષેક કરે છે.
મુદ્રાલેખ
પરીવર્તનકાળ
રૂપરેખા
1. શમુએલનું જીવન તથા સેવા — 1:1-8:22
2. ઇઝરાયલના પ્રથમ રાજા તરીકે શાઉલનું જીવન — 9:1-12:25
3. રાજા તરીકે શાઉલની નિષ્ફળતા — 13:1-15:35
4. દાઉદનું જીવન — 16:1-20:42
5. ઇઝરાયલના રાજા તરીકે દાઉદનો અનુભવ — 21:1-31:13
1
શીલોમાં એલ્કાના અને તેનું કુટુંબ
1 એફ્રાઇમના પહાડી પ્રદેશના રામાથાઈમ-સોફીમ નગરનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું, જે એફ્રાઇમી સૂફનો દીકરા, અલીહૂના દીકરા, જે તોહૂના દીકરા, જે સૂફના દીકરા, જે અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો. 2 તેને બે પત્નીઓ હતી, એકનું નામ હાન્ના અને બીજી પત્નીનું નામ પનિન્ના હતું. પનિન્નાને બાળકો હતાં, પણ હાન્નાને બાળકો ન હતાં. 3 આ માણસ પોતાના નગરમાંથી વર્ષો વર્ષ શીલોમાં સૈન્યના ઈશ્વરનું ભજન કરવા તથા બલિદાન આપવા સારુ જતો હતો. ત્યાં એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ ઈશ્વરના યાજક હતા. 4 જયારે એલ્કાનાનો વર્ષ પ્રમાણે બલિદાન કરવાનો દિવસ આવતો, ત્યારે તે હંમેશા પોતાની પત્ની પનિન્નાને તથા તેણીના દીકરા દીકરીઓને હિસ્સો વહેંચી આપતો.
5 પણ હાન્નાને તે હંમેશા બમણો ભાગ આપતો, કેમ કે તે હાન્ના પર વધારે પ્રેમ રાખતો હતો, પણ ઈશ્વરે તેનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું. 6 તેથી તેની શોક્ય પત્ની તેને ખૂબ જ ચીડવતી અને ખીજવતી હતી. 7 જયારે વર્ષો વર્ષ, તે પોતાના કુંટુંબ સાથે ઈશ્વરના ઘરમાં જતી, ત્યારે તેની શોક્ય હંમેશા તેને ઉશ્કેરતી. તેથી તે રડતી અને કશું પણ ખાતી ન હતી. 8 માટે તેનો પતિ એલ્કાના હંમેશા તેને કહેતો, “હાન્ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું હૃદય કેમ ઉદાસ છે?’ હું તને દસ પુત્ર કરતાં અધિક નથી શું?
હાન્ના અને યાજક એલી
9 તેઓ શીલોમાં ખાઈ પી રહ્યા પછી હાન્ના ઊઠી. એલી યાજક ઈશ્વરના ઘરનાં દરવાજા પાસે પોતાની બેઠક પર બેઠેલો હતો. 10 તે ઘણી દુઃખી હતી; તેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને ખૂબ રડી.
11 માનતા માનીને તેણે કહ્યું, “સૈન્યના ઈશ્વર, જો તમે તમારી દાસીના દુઃખ તરફ જોશો અને મને સંભારશો અને આ તમારી દાસીને વીસરશો નહિ, પણ તેને દીકરો આપશો, તો હું તેને તેના આયુષ્યનાં સર્વ દિવસોભર ઈશ્વરને અર્પણ કરીશ, અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહિ.” 12 જયારે ઈશ્વરની આગળ સતત પ્રાર્થના કરવામાં તે મશગૂલ હતી, ત્યારે એલીએ તેના મુખ તરફ જોયું. 13 હાન્ના પોતાના હૃદયમાં બોલતી હતી, તેના હોઠ હાલતા દેખાતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. માટે એલીને એવું લાગ્યું કે તે નશામાં છે. 14 એલીએ તેને કહ્યું કે, “તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષારસ પીવાનું બંધ કર.”
15 હાન્નાએ ઉત્તર આપ્યો કે, “ના, મારા માલિક, હું હૃદયમાં દુઃખી સ્ત્રી છું. મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી, પણ હું ઈશ્વર આગળ મારું હૃદય ખાલી કરતી હતી.” 16 “તારી દાસી ખરાબ છે એવું માનીશ નહિ; કેમ કે હું અત્યાર સુધી અતિશય ચિંતા અને ગમગીનીમાં બોલતી રહેલી છું.”
17 ત્યારે એલીએ ઉત્તર આપીને કહ્યું, “શાંતિએ જા; ઇઝરાયલના ઈશ્વરની આગળ તેં જે વિનંતી કરી છે, તે ઈશ્વર સફળ કરે.” 18 તેણે કહ્યું, “તારી દાસી ઉપર તારી કૃપાદ્રષ્ટિ થાઓ.” પછી હાન્ના પોતાને માર્ગે ચાલી ગઈ અને તેણે ખોરાક ખાધો. ત્યાર પછી તેના મુખ પર ઉદાસીનતા રહી નહિ.
19 સવારે વહેલા ઊઠીને તેઓએ ઈશ્વરની આગળ ભજન કર્યું, પછી તેઓ રામામાં પોતાને ઘરે પાછા આવ્યાં. એલ્કાના પોતાની પત્ની હાન્નાની સાથે સૂઈ ગયો અને ઈશ્વરે તેને સંભારી. 20 સમય પસાર થતાં એમ થયું કે, હાન્ના ગર્ભવતી થઈ. પછી દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શમુએલ રાખ્યું. અને કહ્યું, “મેં તેને ઈશ્વર પાસેથી માગી લીધો છે.”
21 ફરીથી, એલ્કાના પોતાના આખા કુટુંબ સહિત, ઈશ્વરની આગળ વાર્ષિક બલિદાન તથા પોતાની માનતા ચઢાવવા ગયો. 22 પણ હાન્ના ગઈ નહિ; તેણે તેના પતિને કહ્યું, “બાળક દૂધ છોડે નહિ ત્યાં સુધી હું જઈશ નહિ; પછી હું તેને લઈ જઈશ, જેથી તે ઈશ્વરની સમક્ષ હાજર થઈને સદા ત્યાં જ રહે.” 23 એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર.” તું તેને દૂધ છોડાવે ત્યાં સુધી રાહ જો; એટલું જ કે ઈશ્વર પોતાનું વચન પરિપૂર્ણ કરો.” માટે તે સ્ત્રી ત્યાં રહી અને પોતાના દીકરાનું દૂધ છોડાવ્યું ત્યાં સુધી તેનું પોષણ કર્યું.
24 તેણે તેનું દૂધ છોડાવ્યું ત્યાર પછી, તેણે તેને પોતાની સાથે લીધો, ત્રણ વર્ષનો એક બળદો, એક એફાહ આશરે 20 કિલો લોટ, એક કૂંડીમાં દ્રાક્ષાસવ પણ લીધો, આ બધું તેઓ શીલોમાં ઈશ્વરના ઘરમાં લાવ્યા. બાળક હજી નાનો હતો. 25 તેઓએ બળદનું બલીદાન કર્યું અને તેઓ તે બાળ શમુએલને એલી પાસે લાવ્યા.
26 હાન્નાએ કહ્યું, “ઓ, મારા માલિક! તારા જીવના સમ કે જે સ્ત્રી ઈશ્વરને પ્રાર્થના કરતી હતી તે હું છું. 27 આ બાળક સારુ હું પ્રાર્થના કરતી હતી અને ઈશ્વર સમક્ષ મેં જે પ્રાર્થના કરી હતી તે તેમણે ફળીભૂત કરી છે. 28 માટે મેં તેને ઈશ્વરને અર્પિત કરેલો છે; તે જીવે ત્યાં સુધી ઈશ્વરને અર્પણ કરેલો છે.” અને એલ્કાના તથા તેના કુંટુબે ત્યાં ઈશ્વરનું ભજન કર્યું. શમુએલ ભજન કરવા ત્યાં જ રહ્યો.