23
દાઉદ કઈલા શહેરનો બચાવ કરે છે
1 તેઓએ દાઉદને જણાવ્યું કે, “જો, પલિસ્તીઓ કઈલા વિરુદ્ધ લડીને ખળીઓમાં કણસલાંમાંથી અનાજ લૂંટે છે.” 2 તેથી દાઉદે સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરીને તેમને પૂછ્યું, “હું જઈને આ પલિસ્તીઓ પર હુમલો કરું?” ઈશ્વરે દાઉદને કહ્યું, “જા અને પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.”
3 દાઉદના માણસોએ તેને કહ્યું કે, “જો, અમને અહીં યહૂદિયામાં ભય લાગે છે. તો પછી કઈલામાં પલિસ્તીઓનાં સૈન્યોની સામે જતા કેટલો વિશેષ ભય લાગશે?” 4 પછી દાઉદે ફરીથી ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેને જવાબ આપ્યો, “ઊઠીને, કઈલા પર આક્રમણ કર. હું તને પલિસ્તીઓની ઉપર વિજય અપાવીશ.”
5 દાઉદ તથા તેના માણસો કઈલામાં ગયા અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યું. તેઓએ તેમનાં જાનવરોને દૂર લઈ જઈને હુમલો કર્યો. અને તેઓનો સંહાર કર્યો. એમ દાઉદે કઈલા રહેવાસીઓને બચાવ્યા. 6 જયારે અહીમેલેખનો દીકરો અબ્યાથાર દાઉદ પાસે કઈલામાં નાસી આવ્યો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.
7 શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં છે. ત્યારે તેણે કહ્યું, “હવે ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કેમ કે તે અંદરથી બંધ હોય દરવાજાવાળા નગરમાં પ્રવેશ્યો છે. તે સપડાઈ ગયો છે.” 8 કઈલા ઉપર ચઢાઈ કરીને દાઉદ તથા તેના માણસોને ઘેરી લેવા સારુ શાઉલે સર્વ લોકોને યુદ્ધમાં બોલાવ્યા. 9 દાઉદ જાણતો હતો કે શાઉલ તેની વિરુદ્ધ ઉપદ્રવ કરવાની યુક્તિઓ રચે છે. તેણે અબ્યાથાર યાજકને કહ્યું, “એફોદ અહીં લાવ.”
10 પછી દાઉદે કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવકે નક્કી સાંભળ્યું છે કે મારે લીધે નગરનો નાશ કરવાને શાઉલ કઈલા પર ચઢાઈ કરવાની તક શોધે છે. 11 કઈલાના માણસો શું મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યાં મુજબ શું શાઉલ અહીં આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, હું તમને આજીજી કરું છું, કૃપા કરી તમારા સેવકને જણાવો.” ઈશ્વરે કહ્યું, “તે ચઢાઈ કરશે.”
12 ત્યાર પછી દાઉદે કહ્યું, “શું કઈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?” ઈશ્વરે કહ્યું, “તેઓ તને સોંપી દેશે.”
13 ત્યારે દાઉદ તથા તેના માણસો, જે આશરે છસો હતા, તેઓ ઊઠીને કઈલામાંથી રવાના થયા અને જવાય ત્યાં જતા રહ્યા. શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાંથી નાસી ગયો છે તેથી શાઉલે ત્યાં જવાનું બંધ રાખ્યું.
દાઉદ પહાડી પ્રદેશમાં
14 દાઉદ અરણ્યમાં મજબૂત મિલોઓમાં અને ઝીફના અરણ્યમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ તેને દરરોજ શોધતો હતો, પણ ઈશ્વરે તેને તેના હાથમાં લાગવા દીધો નહિ. 15 દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા સારુ બહાર આવ્યો છે; દાઉદ ઝીફના અરણ્યમાં આવેલા હોરેશમાં હતો. 16 ત્યાર પછી શાઉલનો દીકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો અને તેના હાથ ઈશ્વરમાં મજબૂત કર્યા.
17 યોનાથાને તેને કહ્યું, “બીશ નહિ. કેમ કે મારા પિતા શાઉલનો હાથ તને પકડી પાડી શકશે નહિ. તું ઇઝરાયલ પર રાજા થશે અને હું તારાથી બીજે દરજ્જે હોઈશ. મારા પિતા શાઉલ પણ આ જાણે છે.” 18 પછી તેઓ બન્નેએ ઈશ્વરની આગળ કરાર કર્યો. અને દાઉદ હોરેશમાં રહ્યો અને યોનાથાન પોતાને ઘરે ગયો.
19 પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “શું દાઉદ હોરેશના કિલ્લાઓમાં અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી? એ કિલ્લા હખીલા પર્વત પર, એટલે દક્ષિણના અરણ્ય તરફ આવેલા છે. 20 માટે હવે, હે રાજા, ત્યાં આવવા માટેની તમારા હૃદયની સઘળી ઇચ્છા પ્રમાણે કરો. અમે તમને તમારા હાથમાં સોંપી દઈશું.” 21 શાઉલે કહ્યું, “ઈશ્વરથી તમે આશીર્વાદિત છો. કેમ કે તમે મારા પર દયા કરી છે. 22 જાઓ, તે વિષે હજી વધારે નક્કી કરીને જાણો અને શોધો કે તેની સંતાવાની જગ્યા ક્યાં છે અને ત્યાં તેને કોણે જોયો છે. કેમ કે મને ખબર મળી છે કે તે ઘણો ચાલાક છે. 23 માટે જુઓ, તેની સંતાઈ રહેવાની સર્વ જગ્યાઓ જાણી લઈને, સાચી માહિતી લઈને મારી પાસે આવજો, એટલે હું તમારી સાથે આવીશ, જો તે દેશમાં હશે, તો હું તેને યહૂદિયાના હજારોમાંથી માણસો શોધી કાઢીશ.”
24 પછી તેઓ ઊઠીને શાઉલની અગાઉ ઝીફમાં ગયા. દાઉદ અને તેના માણસો માઓન રાનમાં, અરણ્યની દક્ષિણે અરાબામાં હતા. 25 શાઉલ તથા તેના માણસો તેને શોધવા ગયા. અને દાઉદને તેની ખબર મળી, ત્યારે તે ઊતરીને ખડકાળ પર્વત પાસે આવીને માઓનના અરણ્યમાં રહ્યો. જયારે શાઉલે તે સાંભળ્યું, ત્યારે તે માઓનના અરણ્યમાં દાઉદની પાછળ પડ્યો.
26 શાઉલ પર્વતની એક બાજુએ ગયો અને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલને લીધે ત્યાં છટકી જવા માટે ઉતાવળ કરી. કેમ કે શાઉલ તથા તેના માણસો દાઉદ તથા તેના માણસોને પકડવા માટે તેમને ઘેરી લીધા હતા. 27 એક સંદેશાવાહકે પાસે આવીને શાઉલને કહ્યું, “જલ્દી આવ કેમ કે પલિસ્તીઓએ દેશમાં લૂંટફાટ ચલાવી છે.”
28 પછી શાઉલ દાઉદનો પીછો કરવાને બદલે પાછો વળીને પલિસ્તીઓની સામે ગયો. એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ* 23:28 વિયોગનો ખડક પાડયું. 29 દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના કિલ્લાઓમાં જઈને રહ્યો.