22
યહૂદિયા પર અહાઝયાહ રાજા
2 રાજા. 8:25-29; 9:21-28
1 યરુશાલેમના રહેવાસીઓએ તેના સ્થાને યહોરામના સૌથી નાના દીકરા અહાઝયાહને રાજા તરીકે નિયુક્ત કર્યો; કેમ કે આરબો સાથે જે માણસો છાવણીમાં આવ્યા હતા, તેઓએ તેના બધા મોટા દીકરાઓને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો દીકરો અહાઝયાહ યહૂદાનો રાજા બન્યો. 2 અહાઝયાહ રાજા થયો ત્યારે તે બેતાળીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજય કર્યુ. તેની માતાનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની દીકરી હતી. 3 તે પણ આહાબના કુટુંબનાં માર્ગમાં ચાલ્યો કેમ કે તેની માતા તેને ખોટા કાર્યો કરવાની સલાહ આપતી હતી.
4 આહાબના કુટુંબની જેમ અહાઝયાહએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યુ, કારણ કે તેના પિતાના મૃત્યુ પછી તેઓ તેનો નાશ થાય એવાં સલાહસૂચનો આપતા હતા. 5 અને તે તેઓની ખોટી સલાહ માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યોરામ સાથે ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.
6 રામા આગળ અરામના રાજા હઝાએલ વિરુદ્ધ લડતાં જે ઘા થયેલો તેમાંથી સાજો થવા માટે યહોરામ યિઝ્એલ પાછો ગયો. તેથી યરોહામનો દીકરો અહાઝયાહ જે યહૂદાનો રાજા હતો, યોરામની ખબર કાઢવા યિઝ્રએલ ગયો. યોરામ અરામના સૈન્યથી ઘવાયેલો હતો.
7 હવે અહાઝયાહ યોરામને ત્યાં ગયો માટે ઈશ્વર અહાઝયાહ પર નાશ લાવવાના હતા. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તે યહોરામ સાથે નિમ્શીના દીકરા યેહૂ કે જેને ઈશ્વરે આહાબના કુટુંબનો નાશ કરવા અભિષિક્ત કર્યો હતો, તેની સામે ગયો. 8 એવું બન્યું કે જયારે યેહૂ આહાબના કુટુંબ પર ઈશ્વરના ન્યાયાસનનો અમલ કરતો હતો ત્યારે તે યહૂદાના આગેવાનો અને અહાઝયાહની સેવામાં રહેતા તેના ભાઈઓને મળ્યો. યેહૂએ તેઓને મારી નાખ્યા.
9 યેહૂએ અહાઝયાહને શોધ્યો. તે સમરુનમાં સંતાઈ ગયો હતો, પણ યેહૂના માણસો તેને ત્યાંથી પકડીને યેહૂ પાસે લાવ્યા અને તેઓએ તેને મારી નાખ્યો. પછી તેઓએ તેને દફનાવ્યો. કેમ કે, તેઓએ કહ્યું, “યહોશાફાટ કે જે ખરા હૃદયથી ઈશ્વરની શોધ કરતો હતો તેનો તે દીકરો છે.” તેથી અહાઝયાહ પછી તેના કુટુંબમાં યોઆશ વિના રાજય ચલાવી શકે એવો કોઈ સામર્થ્ય રહ્યો ન હતો.
યહૂદિયાની રાણી અથાલ્યા
2 રાજા. 11:1-3
10 હવે જ્યારે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મૃત્યુ પામ્યો છે. તેણે ત્યારે ઊઠીને યહૂદિયાના રાજ કુટુંબનાં સર્વ રાજકુંવરોને મારી નાખ્યા. 11 પણ રાજાની દીકરી યહોશાબાથ અહાઝયાહના દીકરા યોઆશને જે રાજાના દીકરાઓને મારી નાખવામાં આવતા હતા તેઓની વચ્ચેથી સંતાડીને તેની દાઈના શયનખંડમાં લઈ ગઈ. યહોશાબાથ, રાજા યહોરામની દીકરી અને યાજક યહોયાદાની પત્ની હતી. તે અહાઝયાહની બહેન પણ હતી. તેણે યોઆશને અથાલ્યાથી સંતાડી દીધો હતો, તેથી અથાલ્યા તેને મારી શકી નહિ. 12 રાજકુંવર યોઆશ તેઓની સાથે છ વરસ સુધી ઈશ્વરના ઘરમાં સંતાઈ રહ્યો. તે સમય દરમિયાન દેશ ઉપર અથાલ્યા રાજય કરતી હતી.