4
હે સમરુનના પર્વત પરની
ગરીબોને હેરાન કરનારી,
દુર્બળોને સતાવનારી,
“લાવો આપણે પીએ.”
એમ પોતાના માલિકોને કહેનારી
બાશાનની ગાયો
તમે આ વચન સાંભળો.
પ્રભુ યહોવાહે પોતાની પવિત્રતાને નામે પ્રતિજ્ઞા લીધી છે કે;
“જુઓ, તમારા પર એવા આપત્તિના દિવસો આવી પડશે કે,
જ્યારે તેઓ તમને કડીઓ ઘાલીને,
તથા તમારામાંના બાકી રહેલાઓને માછલી પકડવાના ગલ વડે ઘસડી જવામાં આવશે.
નગરની દીવાલના બાકોરામાંથી,
તમે દરેક સ્ત્રીઓ સરળ રીતે નીકળી જશો,
અને તમને હાર્મોનમાં ફેંકવામાં આવશે”
એમ યહોવાહ કહે છે.
શીખવા ન માગતું ઇઝરાયલ
“બેથેલ આવીને પાપ કરો,
અને ગિલ્ગાલમાં ઉલ્લંઘનો વધારતા જાઓ.
રોજ સવારે તમારાં બલિદાન લાવો,
અને ત્રણ ત્રણ દિવસે તમારાં દશાંશો લાવો.
ખમીરવાળી રોટલીનું ઉપકારાર્થાપણ કરો,
અને ઐચ્છિકાર્પણોના ઢંઢેરો પિટાવી; જાહેરાત કરો,
કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે,
હે ઇઝરાયલ લોકો
એવું તમને ગમે છે.
મેં પણ તમને તમારાં સર્વ નગરોમાં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે.
અને તમારાં સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો* 4:6 ભૂખ.
તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ”
એવું યહોવાહ કહે છે.
“હજી કાપણીને ત્રણ મહિનાનો સમય હતો,
ત્યારથી મેં તમારે ત્યાં વરસાદ વરસતો અટકાવી દીધો.
મેં એક નગરમાં વરસાદ વરસાવ્યો
અને બીજા નગરમાં ન વરસાવ્યો.
દેશના એક ભાગ પર વરસતો,
અને બીજા ભાગમાં વરસાદ ન વરસતા તે ભાગ સુકાઈ જતો હતો.
તેથી બે કે ત્રણ નગરોના લોકો લથડિયાં ખાતાં પાણી માટે બીજા એક નગરમાં ગયા.
પણ ત્યાં તમે તરસ છિપાવી શક્યા નહિ.
તેમ છતાં મારી પાસે તમે પાછા આવ્યા નહિ’
એવું યહોવાહ કહે છે.
“મેં તમારા પર ફૂગની તથા ઝાકળની આફત આણી. તમારા સંખ્યાબંધ બાગ,
તમારા દ્રાક્ષવાડી,
તમારાં અંજીરનાં વૃક્ષોને,
અને તમારાં જૈતૂનનાં વૃક્ષોને,
તીડો ખાઈ ગયાં છે.
તોપણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ”
એવું યહોવાહ કહે છે.
10 “મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે.
મેં તમારા જુવાનોને તલવારથી સંહાર કર્યો છે,
અને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે.
મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરામાં ભરી છે,
તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ’
એવું યહોવાહ કહે છે.
11 “ઈશ્વરે સદોમ અને ગમોરાની પાયમાલી કરી,
તેમ મેં તમારા કેટલાક પર ત્રાસદાયક આફતો મોકલી.
તમે બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણાના જેવા હતા,
તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ”
એવું યહોવાહ કહે છે.
12 “એ માટે, હે ઇઝરાયલ; હું તને એ જ પ્રમાણે કરીશ,
અને તેથી હું તને એમ જ કરીશ,
માટે હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થા!
13 માટે જો, જે પર્વતોને બનાવનાર છે તે જ વાયુનો સર્જનહાર છે.
તે મનુષ્યના મનમાં 4:13 આત્મા શું છે તે પ્રગટ કરનાર,
પ્રભાતને અંધકારમાં ફેરવી નાખનાર,
અને જે પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે,
તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.”

*4:6 4:6 ભૂખ

4:13 4:13 આત્મા