7
ઇઝરાયલનો અંત નજદીક છે
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે, હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ ઇઝરાયલને આમ કહે છે કે,
દેશની ચારે સીમાઓનો અંત આવ્યો છે!
હવે તારો અંત આવ્યો છે, કેમ કે હું તારા પર મારો રોષ રેડીશ, હું તારા માર્ગો પ્રમાણે તારો ન્યાય કરીશ;
હું તારાં સર્વ ધિક્કારપાત્ર કામોનો બદલો વાળીશ.
કેમ કે મારી આંખ તારા પર દયા કરશે નહિ; પણ હું તારાં આચરણોનો બદલો લઈશ, તારાં તિરસ્કારપાત્ર કૃત્યો તારી મધ્યે લાવીશ, જેથી તું જાણશે કે હું યહોવાહ છું!
પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે:
આફત! આફત પછી આફત! જુઓ તે આવે છે.
અંત નિશ્ચે આવી રહ્યો છે. અંતે તારી વિરુદ્ધ જાગૃત થાય છે! જો, તે આવે છે!
હે દેશના રહેવાસી તારું આવી બન્યું છે.
સમય આવી પહોંચ્યો છે, વિપત્તિનો દિવસ નજીક છે, પર્વતો પર આનંદનો નહિ પણ ખેદ કરવાનો દિવસ આવી પહોંચ્યો છે.
હમણાં જ હું મારો રોષ તારા પર રેડીશ અને તારા પરનો મારો કોપ પૂરો કરીશ
હું તારાં આચરણો પ્રમાણે તારો ન્યાય કરીશ અને તારાં સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો તારા પર લાવીશ.
કેમ કે મારી આંખ તારા પર દયા કરશે નહિ કે, તને છોડશે નહિ. તું જે પ્રમાણે વર્ત્યા છે તેવી રીતે હું તારી સાથે વર્તીશ;
હું તારાં ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર સમક્ષ લાવીશ, ત્યારે તું જાણશે કે હું યહોવાહ શિક્ષા કરનાર છું.
10 જુઓ, દિવસ આવે છે. તારો નાશ આવે છે, લાકડીને મોર આવ્યો છે, ગર્વના ફણગા ફૂટી નીકળ્યા છે.
11 હિંસા વધીને દુષ્ટતાની લાકડી જેવી થઈ છે,
તેઓમાંનું, તેઓના સમુદાયમાંનું, તેઓના દ્રવ્યમાંથી કે તેઓના મહત્વનું કંઈ બચશે નહિ!
12 સમય આવી રહ્યો છે, દિવસ પાસે આવતો જાય છે,
ખરીદનારે હરખાવું નહિ, વેચનારે શોક કરવો નહિ, કેમ કે, મારો કોપ તેના આખા સમુદાય પર છે.
13 વેચનાર પોતાના વેચાયેલા સ્થળે પાછો આવશે નહિ, જોકે તેઓ બંને જીવતા હશે તોપણ,
કેમ કે, આ સંદર્શન તો આખા સમુદાય વિષે છે. તેઓ પાછા ફરશે નહિ,
કોઈ માણસ પોતાના પાપમાં પોતાનું જીવન સાર્થક કરશે નહિ.
14 તેઓએ રણશિંગડું વગાડીને સઘળું તૈયાર કર્યું છે, પણ કોઈ યુદ્ધમાં જતું નથી, કેમ કે મારો રોષ આખા સમુદાય પર છે.
15 બહાર તલવાર છે, અંદર મરકી તથા દુકાળ છે.
જે કોઈ ખેતરમાં હશે તે તલવારથી માર્યો જશે, જેઓ નગરમાં છે તેઓને મરકી તથા દુકાળ ગળી જશે.
ઇઝરાયલનાં પાપની શિક્ષા
16 પણ તેઓમાંના અમુક લોકો નાસી જઈને દરેક માણસ પોતાના અન્યાયને કારણે,
શોક કરતા તેઓ ખીણમાંના કબૂતરો જેવા પર્વતો પર જશે.
17 દરેકના હાથ અશક્ત થઈ જશે અને દરેક ઘૂંટણ પાણીની જેમ ઢીલા થઈ જશે.
18 તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે અને ત્રાસ તેમને ઢાંકી દેશે.
બધાના ચહેરા પર શરમ હશે અને તેઓ બધાનાં માથાં મૂંડાવેલા હશે.
19 તેઓ પોતાનું ચાંદી શેરીઓમાં ફેંકી દેશે અને તેઓનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ જશે.
કેમ કે યહોવાહના કોપને દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ. તેઓનાં જીવનો બચશે નહિ.
તેઓ પોતાનાં પેટ પણ ભરી શકશે નહિ, કેમ કે તેઓના અન્યાય તેઓને ઠોકરરૂપ થયા છે.
20 તેઓનાં સુશોભિત આભૂષણો તેઓનું ગર્વનું કારણ થયાં છે અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કારરૂપ તથા ધિક્કારપાત્ર કૃત્યો દર્શાવતી મૂર્તિઓની પ્રતિમા બનાવી છે,
તેથી મેં તે તેઓનું સોનું અને ચાંદી અશુદ્ધ વસ્તુ જેવી બનાવી છે.
21 હું તેને પરદેશીઓના હાથમાં લૂંટ તરીકે અને પૃથ્વી પરના દુષ્ટોને લૂંટ તરીકે આપીશ,
તેઓ એને ભ્રષ્ટ કરશે.
22 તેઓ મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કરશે ત્યારે હું તેઓ તરફથી મારું મુખ ફેરવી લઈશ;
લૂંટારુઓ તેમાં પ્રવેશ કરીને તેને ભ્રષ્ટ કરશે.
23 સાંકળો બનાવો, કેમ કે દેશ રક્તના ન્યાયથી,
અને નગર હિંસાથી ભરપૂર છે.
24 તેથી હું સૌથી દુષ્ટ પ્રજાને લાવીશ, તેઓ આ લોકોનાં ઘર પર કબજો કરશે.
હું બળવાનોના ઘમંડનો અંત લાવીશ, તેઓનાં પવિત્રસ્થાનો ભ્રષ્ટ કરવામાં આવશે!
25 ભય આવશે, તેઓ શાંતિ શોધશે પણ તે મળશે નહિ!
26 આપત્તિ પર આપત્તિ આવશે, અફવા પર અફવા ચાલશે,
તેઓ પ્રબોધકો પાસેથી સંદર્શન શોધશે, પણ યાજકોમાંથી નિયમશાસ્ત્રનો અને વડીલોમાંથી બુધ્ધિનો નાશ થશે.
27 રાજા શોક કરશે અને રાજકુમારો પાયમાલીથી ઘેરાઈ જશે,
દેશના લોકોના હાથ ભયથી કાંપી ઊઠશે. તેઓનાં આચરણ પ્રમાણે હું તેઓને સજા કરીશ!
હું તેઓના ગુણદોષ મુજબ તેઓનો ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”