31
મિસરને કપાયેલા એરેજવૃક્ષની ઉપમા
અગિયારમા વર્ષના, ત્રીજા મહિનાના, પહેલા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, “હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના ચાકરોને કહે,
‘તમારા જેવો બીજો મોટો કોણ છે?
જો, આશ્શૂરી લબાનોનના દેવદાર વૃક્ષ જેવો હતો, તેની ડાળીઓ સુંદર, તેની છાયા ઘટાદાર, તેનું ઊંચાઈ ઘણી હતી!
અને તે વૃક્ષની ટોચ ડાળીઓ કરતાં ઉપર હતી.
ઘણાં પાણીઓએ તેને ઊંચું કર્યું; જળાશયોએ તેને વધાર્યું.
નદીઓ તેના રોપાઓની આસપાસ વહેતી હતી,
તેના વહેળાથી ખેતરનાં સર્વ વૃક્ષોને પાણી મળતું હતું.
તેની ઊંચાઈ ખેતરના બીજા વૃક્ષો કરતાં ઘણી ઊંચી હતી,
તેને પુષ્કળ ડાળીઓ થઈ;
તેની ડાળીઓ ફૂટી ત્યારે પુષ્કળ પાણી મળ્યાથી તે લાંબી વધી.
આકાશના પક્ષીઓ તેની ડાળીઓ પર માળા બાંધતાં હતાં,
તેનાં પાંદડાં નીચે દરેક ખેતરનાં સર્વ પશુઓ પોતાનાં બચ્ચાંને જન્મ આપતાં હતા.
તેની છાયામાં ઘણી પ્રજાઓ રહેતી હતી.
તે પોતાના મહત્વમાં તથા પોતાની ડાળીઓની લંબાઈમાં સુંદર હતું, તેનાં મૂળો મહા જળ પાસે હતાં.
ઈશ્વરના બગીચામાંના એરેજવૃક્ષો તેને ઢાંકી શકતા ન હતા.
દેવદાર વૃક્ષો તેની ડાળીઓ સમાન પણ ન હતાં, પ્લેનવૃક્ષો પણ તેની ડાળીઓ સમાન ન હતાં.
સુંદરતામાં પણ ઈશ્વરના બગીચામાંનું એક પણ વૃક્ષ તેની સમાન ન હતું!
મેં તેને ઘણી ડાળીઓથી એવું સુંદર બનાવ્યું હતું કે;
ઈશ્વરના બગીચામાંના એટલે એદનનાં સર્વ વૃક્ષો તેની અદેખાઈ કરતાં હતાં.’ ”
10 માટે પ્રભુ યહોવાહ આમ કહે છે: “કારણ કે તે ઊંચું હતું, તેણે પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે અને તેનું હૃદય કદમાં ઊંચું થયું છે. 11 તેથી હું તેને પ્રજાઓમાં જે પરાક્રમી છે તેના હાથમાં સોપી દઈશ. અધિકારી તેની વિરુદ્ધ પગલું ભરશે મેં તેને તેની દુષ્ટતાને લીધે હાંકી કાઢ્યું છે.
12 પરદેશીઓ જે બધી પ્રજાઓ માટે ત્રાસરૂપ છે, એવા પરદેશીઓએ તેનો સંહાર કર્યો છે, તેને તજી દીધું છે. તેની ડાળીઓ પર્વતો પર તથા ખીણોમાં પડેલી છે, તેની ડાળીઓ ઝરણાંઓ પાસે ભાંગી પડેલી છે. પછી પૃથ્વીની સર્વ પ્રજાઓએ તેની છાયામાંથી જતા રહીને તેને છોડી દીધું છે.
13 આકાશના સર્વ પક્ષીઓ તેનાં ભાંગી તૂટેલા અંગો પર આરામ કરે છે,
ખેતરનાં સર્વ પશુઓ તેની ડાળીઓ પર રહેશે.
14 એવું બને કે પાણી પાસેનાં વૃક્ષો તથા પાણી પીનારાં સર્વ વૃક્ષોમાંના કોઈ પણ કદમાં ઊંચા ન થઈ જાય, પોતાની ટોચ વાદળ સુધી ના પહોંચાડે, કેમ કે પાણી પીનારા વૃક્ષ બીજા વૃક્ષ કરતાં કદી ઊંચે નહિ થાય. કેમ કે તેઓ બીજા મનુષ્યો સાથે કબરમાં ઊતરી જનારાઓના ભેગા મોતને અધોલોકને સ્વાધીન કરવામાં આવ્યા છે.”
15 પ્રભુ યહોવાહ આમ કહે છે: “તે દિવસે જ્યારે તે શેઓલમાં ઊતરી ગયો ત્યારે મેં પૃથ્વી પર શોક પળાવ્યો. મેં તેના પર ઊંડાણ ઢાંક્યું, મેં સમુદ્રના પાણી રોક્યાં. અને મહાજળ થંભ્યા, મેં તેને લીધે લબાનોન પાસે શોક પળાવ્યો. તેને લીધે ખેતરનાં સર્વ વૃક્ષો મૂર્છિત થઈ ગયાં.
16 જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના પતનથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી, સર્વ પાણી પીનારા એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં.
17 જેઓ તેના બળવાન હાથરૂપ હતા, જેઓ પ્રજાઓની છાયામાં રહેતા હતા, તેઓ પણ તેની સાથે શેઓલમાં તલવારથી કતલ થયેલાઓની પાસે ગયા. 18 મહિમામાં તથા મોટાઈમાં એદનનાં વૃક્ષોમાં તારા જેવું કોણ હતું? કેમ કે તું એદનનાં વૃક્ષોની સાથે અધોલોકમાં પડશે, તું તલવારથી કતલ થયેલાઓની સાથે બેસુન્નતીઓમાં પડ્યો રહેશે. એ ફારુન તથા તેના ચાકરો છે.” આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.