3
આરાધનાની પુન:સ્થાપના
1 ઇઝરાયલી લોકો સાતમા માસમાં દેશનિકાલ પછી પોતાનાં નગરોમાં પાછા આવ્યા, લોકો એક દિલથી યરુશાલેમમાં ભેગા થયા. 2 યોસાદાકના દીકરા યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ, ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી. જેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વેદી પર તેઓ દહનીયાર્પણો ચઢાવે.
3 તેઓએ તે વેદી અગાઉ જે જગ્યાએ હતી ત્યાં જ બાંધી, કેમ કે તેઓને દેશના લોકોનો ભય હતો. ત્યાં દરરોજ સવારે તથા સાંજે તેઓએ ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવ્યાં. 4 તેઓએ નિયમશાસ્ત્રમાં લખેલા લેખ પ્રમાણે માંડવાપર્વ ઊજવ્યું અને દરરોજ નિયમ પ્રમાણે વિધિપૂર્વક દહનીયાર્પણો ચઢાવ્યાં. 5 પછી દૈનિક તથા મહિનાના દહનીયાર્પણો, યહોવાહનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં તથા ઐચ્છિકાર્પણો, પણ ચઢાવ્યાં.
6 તેઓએ સાતમા માસના પ્રથમ દિવસથી ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવવાનું શરૂ કર્યું, પરંતુ સભાસ્થાનનો પાયો હજી નંખાયો ન હતો. 7 તેથી તેમણે કડિયાઓને તથા સુથારોને પૈસા આપ્યાં; અને સિદોન તથા તૂરના લોકોને ખોરાક, પીણું તથા તેલ મોકલ્યાં, એ માટે કે તેઓ ઇરાનના રાજા કોરેશના હુકમ પ્રમાણે લબાનોનથી યાફાના સમુદ્ર માર્ગે, દેવદારનાં કાષ્ઠ લઈ આવે.
મંદિર ફરી બાંધવાની શરૂઆત
8 પછી તેઓ યરુશાલેમમાં, ઈશ્વરના ઘરમા આવ્યા. તેના બીજા વર્ષના બીજા માસમાં, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ, યોસાદાકનો દીકરો યેશૂઆ, અન્ય તેઓના યાજકો, લેવી ભાઈઓ તથા જેઓ બંદીવાનમાંથી મુક્ત થઈને યરુશાલેમ પાછા આવ્યા હતા તે સર્વએ તે કામની શરૂઆત કરી. ઈશ્વરના ઘરના બાંધકામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરનાં લેવીઓને નીમ્યા. 9 યેશૂઆએ, તેના દીકરા તથા તેના ભાઈઓ, કાદમીએલે તથા યહૂદિયાના* 3:9 હોદાવ્યાહ વંશજોને ઈશ્વરના ઘરનું કામ કરનારાઓ પર દેખરેખ રાખવા નીમ્યા. તેઓની સાથે લેવી હેનાદાદના વંશજો તથા તેના ભાઈઓ પણ હતા.
10 બાંધનારાઓએ યહોવાહના સભાસ્થાનનો પાયો નાખ્યો ત્યારે ઇઝરાયલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યહોવાહની સ્તુતિ કરવા માટે યાજકો રણશિંગડાં સાથે ગણવેશમાં, લેવી આસાફના દીકરાઓ ઝાંઝ સાથે, ઊભા રહ્યાં. 11 તેઓએ યહોવાહની સ્તુતિ કરતા આભારનાં ગીતો ગાયા, “ઈશ્વર ભલા છે! તેમના કરારનું વિશ્વાસુપણું ઇઝરાયલીઓ પર સર્વકાળ રહે છે.” સર્વ લોકોએ ઊંચા અવાજે યહોવાહની સ્તુતિ કરતા હર્ષનાદ કર્યા કેમ કે ભક્તિસ્થાનના પાયા સ્થપાયા હતા.
12 પણ યાજકો, લેવીઓ, પૂર્વજોના કુટુંબોના આગેવાનો તથા વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે અગાઉનું ભક્તિસ્થાન જોયું હતું તેઓની નજર આગળ જયારે આ ભક્તિસ્થાનના પાયા સ્થાપવામાં આવી રહ્યાં હતા ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા. પણ બીજા ઘણા લોકોએ ઊંચા અવાજે હર્ષનાદ તથા ઉત્તેજિત પોકારો કર્યાં. 13 લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના, તે સમજી શકાતું નહોતું, કારણ કે લોકો હર્ષનાદ સાથે રડતા હતા અને તેઓનો અવાજ ઘણે દૂર સુધી સંભળાતો હતો.