5
તમારી સ્વતંત્રતા જાળવો
આપણે બંધનમાં ન રહીએ માટે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે; તેથી સ્થિર રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.
જુઓ, હું પાઉલ, તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો છો, તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.
દરેક સુન્નત કરાવનારને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે, તે આખું નિયમશાસ્ત્ર પાળવાને જવાબદાર છે. તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ ખ્રિસ્તથી અલગ થયા છો; તમે કૃપાથી દૂર થયા છો.
કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે. તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા? આવું કરવાની સમજ તમને તેડનાર તરફથી અપાતી નથી.
એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે. 10 તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહિ ધરાવો; જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે.
11 ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી. 12 જેઓ તમને ગેરમાર્ગે દોરે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!
13 કેમ કે, ભાઈઓ, તમને સ્વતંત્ર થવા તેડવામાં આવ્યા હતા; માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. 14 કેમ કે આખું નિયમશાસ્ત્ર એક જ વચનમાં પૂરું થાય છે, એટલે, ‘જેમ તું પોતાના પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.’ ” 15 પણ જો તમે એકબીજાને કરડો અને ફાડી ખાઓ, તો સાવધાન રહો, કદાચ તમે એકબીજાથી નાશ પામો.
પવિત્ર આત્મા અને માનવી સ્વભાવ
16 પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ. 17 કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી. 18 પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.
19 દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું, 20 મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, 21 અદેખાઈ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
22 પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી. 24 અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.
25 જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ. 26 આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને ઘમંડ ન કરીએ.