7
જળપ્રલય પૃથ્વીને ઢાંકી દે છે
1 ઈશ્વરે નૂહને કહ્યું, “તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે. 2 દરેક શુદ્ધ પશુઓમાંથી સાત નર અને સાત નારીને લાવ અને અશુદ્ધ પશુઓમાંથી બે નર અને બે નારીને વહાણમાં લે. 3 તેની સાથે આકાશના પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.
4 સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ.” 5 ઈશ્વરે જે સર્વ આજ્ઞા નૂહને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.
6 જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી. 7 જળપ્રલય થવાનો હોવાને કારણે નૂહ, તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ એકસાથે વહાણમાં ગયાં.
8 શુદ્ધ તથા અશુદ્ધ પશુઓ, પક્ષીઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વ સજીવો હતા, 9 તેઓમાંના દરેક નર તથા નારીની જોડી ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહ પાસે આવ્યાં અને વહાણમાં ગયા. 10 સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો.
11 નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા ઝરા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો. 12 ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.
13 તે જ દિવસે નૂહ, તેના દીકરાઓ શેમ, હામ, યાફેથ તથા તેની પત્ની અને પુત્રવધૂઓ સહિત વહાણમાં ગયો. 14 તેઓની સાથે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વન્ય પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પાલતુ પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પેટે ચાલનારાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં મોટાં તથા નાનાં સર્વ પક્ષીઓ વહાણમાં ગયાં.
15 સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં. 16 જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.
17 પછી પૃથ્વી પર ચાળીસ રાત દિવસો સુધી જળપ્રલય થયો અને પાણી વધવાથી વહાણ પૃથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું. 18 પાણીનો પુરવઠો વધ્યો અને પૃથ્વી પર તે ઘણું ઊંચે ચઢ્યું અને વહાણ પાણી પર તરવા લાગ્યું.
19 પૃથ્વી પર પાણી એટલું બધું વધ્યું કે પૃથ્વી પરના સર્વ ઊંચા પહાડો પાણીથી ઢંકાઈ ગયા. 20 પર્વતોનાં સૌથી ઊંચા શિખર કરતાં પણ પાણીની સપાટી પંદર હાથ* 7:20 પંદર હાથ સાત મીટર જેટલી ઊંચી વધી ગઈ.
21 પૃથ્વી પર ફરનારાં સર્વ પશુઓ, પક્ષીઓ, જાનવરો, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ તથા સર્વ માણસો મરણ પામ્યા. 22 કોરી ભૂમિ પરનાં સર્વ, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ સર્વનો નાશ થયો.
23 આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશના પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં. 24 પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.