હબાક્કુક
લેખક
હબાક્કુક આ પુસ્તકને હબાક્કુક પ્રબોધકના સંદર્શન તરીકે ઓળખાવે છે. તેના નામ સિવાય આપણે તેના વિષે ખાસ કરીને વધારે કંઈ પણ જાણતા નથી. તેને પુસ્તકમાં ‘હબાક્કુક પ્રબોધક’ કહેવાયો છે જેથી એવું સૂચિત કરતું લાગે છે કે તે પ્રમાણમાં ખૂબ જાણીતો હતો અને તેને વધારે ઓળખની જરૂર નહોતી.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 612 થી 605 વચ્ચેનો છે.
હબાક્કુકે આ પુસ્તક દક્ષિણના રાજ્ય યહૂદાના પતનના બહુ થોડા સમય અગાઉ લખ્યું હશે.
વાંચકવર્ગ
યહૂદાના (દક્ષિણના રાજ્યના) લોકો અને ઈશ્વરના દરેક જગ્યાના લોકો માટે સામાન્ય પત્ર.
હેતુ
હબાક્કુકને આશ્ચર્ય થતું હતું કે ઈશ્વર પોતાના પસંદ કરેલા લોકોને વર્તમાનમાં તેઓના શત્રુઓ દ્વારા પીડિત કેમ થવા દેતા હતા. ઈશ્વર તેનો જવાબ આપે છે અને હબાક્કુકનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય છે. આ પુસ્તકનો હેતુ એ ઘોષિત કરવાનો છે કે યહોવાહ, પોતાના લોકોના રક્ષક તરીકે, જેઓ તેમનામાં ભરોસો રાખે છે તેઓને ટકાવી રાખશે અને યહૂદાના સાર્વભૌમ યોદ્ધા તરીકે એક દિવસ બાબિલના અન્યાયી લોકોનો ન્યાય કરશે. હબાક્કુકનું પુસ્તક આપણી સમક્ષ, ન્યાયીઓ ઈશ્વર પરના વિશ્વાસ દ્વારા જીવે છે અને અભિમાની લોકોને નમ્ર બનાવવામાં આવે છે તેનું એક ચિત્ર રજૂ કરે છે. (2:4).
મુદ્રાલેખ
સાર્વભૌમ ઈશ્વર પર ભરોસો
રૂપરેખા
1. હબાક્કુકની ફરિયાદો — 1:1-2:20
2. હબાક્કુકની પ્રાર્થના — 3:1-19
1
1 હબાકુક પ્રબોધકને સંદર્શન દ્વારા પ્રાપ્ત થયેલો ઈશ્વરનો વચન.
અન્યાય અંગે હબાકુકની ફરિયાદ
2 હે યહોવાહ, ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ અને તમે સાંભળશો નહિ?
હિંસા વિષે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી.
3 શા માટે તમે અન્યાયને મારી નજરમાં લાવો છો અને ખરાબ કાર્યો બતાવો છો?
વિનાશ અને હિંસા મારી આગળ છે; ઝઘડા અને તકરારો ચાલે છે.
4 તે માટેના કાયદાનો અમલ થતો નથી, તેથી કદી ઇનસાફ મળતો નથી.
કેમ કે ન્યાયી લોકોને દુષ્ટોએ ઘેરી લીધા છે; તેથી જૂઠા ન્યાયચુકાદા થાય છે.
ઈશ્વરનો ઉત્તર
5 પ્રભુએ કહ્યું, “તમે પ્રજાઓ તરફ જુઓ અને લક્ષ આપો; તો તમે આશ્ચર્ય પામશો.
કેમ કે તમારા સમયમાં હું નિશ્ચે એવું કાર્ય કરવાનો છું, જે તમને કહેવામાં આવશે પણ તમે વિશ્વાસ કરવાના નથી.
6 કેમ કે જુઓ, એટલે કે ખાલદીઓ જે ક્રૂર તથા ઉતાવળી પ્રજા છે તેઓને હું ઊભા કરું છું,
જે ઘરો તેઓનાં પોતાના નથી તેનો કબજો કરવા તેઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી કૂચ કરે છે.
7 તેઓ ભયાનક અને બિહામણા છે; તેઓનો વૈભવ તથા ન્યાય તેઓમાંથી જ આવે છે!
8 તેઓના ઘોડાઓ દીપડાઓ કરતાં વધારે જલદ છે, સાંજના વરુઓ કરતાં વિકરાળ છે.
તેઓના ઘોડાઓ પર છાપ મારેલી છે,
અને તેઓના ઘોડેસવારો ઘણે દૂરથી આવે છે. તેઓ ઝડપથી ઊડતા ગરુડની માફક ભક્ષ કરવા માટે દોડે છે.
9 તેઓ સર્વ હિંસા માટે આવે છે,
તેઓના લોકો અરણ્યના પવન જેવા છે; તેઓ રેતીના કણ જેટલા બંદીવાનો એકઠા કરે છે.
10 તેઓ રાજાઓની મશ્કરી કરે છે, સરદારો તો તેમની નજરમાં હાસ્યરૂપ છે.
તે દરેક કિલ્લાઓની હાંસી ઉડાવે છે, કેમ કે તેઓ પૃથ્વી પરથી ધૂળના ઢગલા કરી તેને લઈ લે છે!
11 પછી પવનની માફક તેઓ ધસી જશે, જેઓ પોતાના બળને પોતાનો દેવ ગણે છે, તે અપરાધી ઠરશે.”
હબાકુક ફરીથી ફરિયાદ કરે છે
12 “યહોવાહ મારા ઈશ્વર, મારા પવિત્ર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી.
તમે ન્યાય માટે તેનું નિર્માણ કર્યું છે, હે મારા ખડક, સુધારાને માટે મેં તેને સ્થાપ્યો છે.
13 તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે અશુદ્ધતા જોઈ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી.
તો પછી જેઓ વિશ્વાસઘાતી છે તેઓના પક્ષમાં તમે શા માટે જુઓ છો?
દુષ્ટ માણસ પોતાના કરતાં ન્યાયી માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે ચૂપ રહો છો?
14 તમે માણસોને સમુદ્રના માછલાં જેવા બનાવો છો, જેઓની ઉપર કોઈ અધિકારી ન હોય તેવાં પેટે ચાલનારાં સજીવો જેવા તમે માણસોના હાલ કરો છો.
15 વિશ્વાસઘાતી માણસો તેઓને ગલથી ઉપર લાવે છે, તેઓ માણસોને જોરથી ખેંચીને
જાળમાં ભેગા કરે છે તેથી તેઓ આનંદ કરે છે અને ખુશીથી પોકાર કરે છે.
16 તે માટે તેઓ પોતાની જાળને બલિદાન આપે છે, પોતાની જાળની આગળ ધૂપ બાળે છે;
કેમ કે ચરબીવાળાં જાનવરો તેઓનો હિસ્સો છે, ચરબીવાળું માંસ તેઓનો ખોરાક છે.
17 તેથી શું તેઓ તેઓની જાળ ખાલી કરશે? અને દયા કે લાગણી વગર લોકોનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?”