હિબ્રૂઓને પત્ર
લેખક
હિબ્રૂઓને પત્રનો લેખક અજ્ઞાત છે. કેટલાક વિદ્વાનો પાઉલને લેખક તરીકે સૂચવે છે પણ સાચો લેખક અજ્ઞાત છે. બીજું કોઈ પુસ્તક ખ્રિસ્તને નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની પરિપૂર્ણતા અને હારુનના યાજકપદ કરતાં ખ્રિસ્તી વિશ્વાસના ચડિયાતા પ્રમુખ યાજક તરીકે આટલી છટાદાર રીતે પ્રસ્તુત કરતું નથી. આ પુસ્તક ખ્રિસ્તને આપણા વિશ્વાસના અગ્રેસર તથા પરિપૂર્ણકર્તા તરીકે પ્રસ્તુત કરે છે (12:2).
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 64 થી 70 ની આસપાસનો છે.
હિબ્રૂઓને પત્ર ખ્રિસ્તનાં સ્વર્ગારોહણના થોડા સમય બાદ તથા યરુશાલેમના વિનાશના થોડા સમય અગાઉ યરુશાલેમમાં લખાયો હતો.
વાંચકવર્ગ
આ પત્ર મુખ્યત્વે યહૂદી વિશ્વાસીઓને સંબોધિત કરાયો હતો કે જેઓ જૂના કરારથી પરિચિત હતા અને જેઓ યહૂદી ધર્મમાં પાછા ફરવા કે સુવાર્તાનું યહૂદીકરણ કરવાનું પરીક્ષણ અનુભવતા હતા. એવું પણ સૂચવવામાં આવે છે કે વાંચકવર્ગ એક મોટા જૂથના યાજકો હતા કે જેઓ ખ્રિસ્તી વિશ્વાસને અનુસર્યા હતા (પ્રેરિતોનાં કૃત્યો 6:7).
હેતુ
હિબ્રૂઓને પત્રના લેખકે તેના શ્રોતાજનોને સ્થાનિક યહૂદી શિક્ષણનો નકાર કરી ઈસુને વિશ્વાસુ રહેવાનો બોધ આપવા, ઈસુ ખ્રિસ્ત સર્વોપરી છે તે બતાવવા તથા ઈશ્વરપુત્ર દૂતો, યાજકો, જૂના કરારના આગેવાનો કે બીજા કોઈ પણ ધર્મ કરતાં વધારે સારા છે બતાવવા આ લખ્યું હતું. વધસ્તંભ પર મરવા દ્વારા અને મરેલાઓમાંથી ઉત્થાન પામવા દ્વારા ઈસુ વિશ્વાસીઓના ઉદ્ધાર તથા અનંતજીવનની બાંહેધરી આપે છે. આપણાં પાપો માટે ખ્રિસ્તનું બલિદાન સંપૂર્ણ તથા સકળ હતું. વિશ્વાસ એ ઈશ્વરને પ્રસન્ન કરવા તે છે. આપણે આપણો વિશ્વાસ ઈશ્વરનાં આજ્ઞાપાલનમાં પ્રદર્શિત કરીએ છીએ.
મુદ્રાલેખ
ખ્રિસ્તની શ્રેષ્ઠતા
રૂપરેખા
1. ઈસુ ખ્રિસ્ત દૂતો કરતાં શ્રેષ્ઠ છે — 1:1-2:18
2. ઈસુ નિયમશાસ્ત્ર તથા જૂના કરાર કરતાં શ્રેષ્ઠ છે — 3:1-10:18
3. વિશ્વાસુ રહેવા તથા કસોટીઓ સહન કરવા તેડું — 10:19-12:29
4. અંતિમ બોધ અને શુભેચ્છાઓ — 13:1-25
1
ઈશ્વરનું વચન તેમના પુત્ર મારફતે
પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વરે અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી. તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.
ઈશ્વરના પુત્રનું અજોડપણું
તેમને સ્વર્ગદૂતો કરતાં જેટલાં પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે, તેટલાં પ્રમાણમાં તે તેઓ કરતાં ઉત્તમ છે. કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, ‘તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?’ ”
અને વળી, ‘હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?’ ”
વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, ‘ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.’ ” વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે, ‘તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે.’ ”
પણ પુત્ર વિષે તે કહે છે, ‘ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે. તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.
10 વળી, ઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે. 11 તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે; 12 તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો; અને વસ્ત્રની જેમ તેઓ બદલાશે; પણ તમે એવા અને એવા જ છો, તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.’ ”
13 પણ ઈશ્વરે કયા સ્વર્ગદૂતને કદી એમ કહ્યું કે, ‘હું તારા શત્રુઓને તારા પગ નીચે કચડું નહિ, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?’ ”
14 શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને ઉદ્ધારનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલવામાં આવ્યા નથી?