પહેલો સંવાદ
4
4:1-14:22
અલિફાઝ (ચાલુ)
1 પછી અલિફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,
2 “જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું હૃદય દુખાશે?
પણ બોલ્યા વગર કોણ રહી શકે?
3 જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે,
અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.
4 તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે,
અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.
5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારા પર આવી પડી છે, ત્યારે તું નિરાશ થઈ ગયો છે;
તે તને સ્પર્શ કરે છે ત્યારે તું ગભરાઈ જાય છે.
6 ઈશ્વરના ભયમાં તને ભરોસો નથી?
તારા સદાચાર પર તને આશા નથી?
7 હું તને વિનંતી કરું છું કે, આ વિષે વિચાર કર; કયા નિર્દોષ માણસો નાશ પામ્યા છે?
અને કયા સદાચારીની પાયમાલી થઈ છે?
8 મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે,
તથા નુકશાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.
9 ઈશ્વરના શ્વાસથી તેઓ નાશ પામે છે.
તેઓના કોપની જ્વાલાઓથી તેઓ ભસ્મ થઈ જાય છે.
10 સિંહની ગર્જના અને વિકરાળ સિંહનો અવાજ,
અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે.
11 વૃદ્ધ સિંહ શિકાર વગર નાશ પામે છે.
અને જુવાન સિંહણના બચ્ચાં રખડી પડે છે.
12 હમણાં એક ગુપ્ત વાત મારી પાસે આવી,
અને તેના ભણકારા મારા કાને પડ્યા.
13 જ્યારે માણસો ભરનિદ્રામાં પડે છે,
ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં,
14 હું ભયથી ધ્રુજી ગયો
અને મારાં સર્વ હાડકાં થથરી ઊઠયાં.
15 ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઈ ગયો
અને મારા શરીરનાં રૂઆં ઊભાં થઈ ગયાં.
16 તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ.
એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી.
અને ત્યાં શાંતિ હતી. પછી મેં એવો અવાજ સાંભળ્યો કે,
17 ‘શું માણસ ઈશ્વર કરતાં વધારે ન્યાયી હોઈ શકે?
શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઈ શકે?
18 જુઓ, તે પોતાના સેવકો પર કંઈ વિશ્વાસ રાખતા નથી;
અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે.
19 તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીનાં ઘરોમાં રહેનાર,
જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે.
તેઓને તે કેટલા અધિક ગણશે?
20 સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે.
તેઓ સદાને માટે નાશ પામે છે, કોઈ તેઓની ચિંતા કરતું નથી.
21 શું તેઓનો વૈભવ જતો રહેતો નથી?
તેઓ મરી જાય છે; તેઓ જ્ઞાનવગર મૃત્યુ પામે છે.”