2
યૂનાની પ્રાર્થના
1 ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર યહોવાહની પ્રાર્થના કરી. 2 તેણે કહ્યું,
“મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી,
અને તેમણે મને જવાબ આપ્યો;
શેઓલના ઊંડાણમાંથી* 2:2 પાયો સહાયને માટે મેં પોકાર કર્યો!
અને મારો અવાજ સાંભળ્યો.”
3 “હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો,
મારી આસપાસ પાણી હતા;
તેના સર્વ મોજાં અને છોળો,
મારા પર ફરી વળ્યાં.”
4 અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે;
તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’
5 મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં,
આજુબાજુ ઊંડાણ હતું;
મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી.
6 હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો;
મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં.
તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો.
7 જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું;
અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી.
8 જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે
તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે.
9 પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ;
જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ.
ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે.
10 પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો.