માલાખી
લેખક
માલાખીના પુસ્તકમાં, લેખક તરીકે માલાખી પ્રબોધકને ઓળખાવે છે. હિબ્રૂ ભાષામાં, આ નામ એક શબ્દ પરથી આવે છે જેનો અર્થ ‘સંદેશવાહક’ થાય છે, કે જે ઈશ્વરનો સંદેશ ઈશ્વરના લોકોને પહોંચાડતા પ્રભુના પ્રબોધક તરીકેની માલાખીની ભૂમિકા તરફ નિર્દેશ કરે છે. આમ, આપણને આ પુસ્તક આપવામાં માલાખી બમણાં અર્થમાં સંદેશવાહક છે અને તેનો સંદેશ એ છે કે ઈશ્વર ભવિષ્યમાં એલિયા પ્રબોધકના જેવો જ મહાન બીજો એક પ્રબોધક પ્રભુના મહાન દિવસ અગાઉ મોકલાશે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 430 ની આસપાસનો છે.
આ દેશનિકાલ બાદનું પુસ્તક છે જેનો અર્થ એ થાય છે કે તે બાબિલના બંદીવાસથી પાછા આવ્યા બાદ આ પુસ્તક લખાયું હતું.
વાંચકવર્ગ
યરુશાલેમમાં રહેતા યહૂદી લોકો તથા ઈશ્વરના દરેક જગ્યાના લોકો માટે સામાન્ય પત્ર.
હેતુ
આ પુસ્તકનો હેતુ લોકોને યાદ કરાવવાનો છે કે ઈશ્વર પોતાના લોકોને બની શકે તેટલી મદદ કરશે અને જ્યારે ઈશ્વર ન્યાયાધીશ તરીકે આવશે ત્યારે તેઓ તેમની દુષ્ટતા માટે તેઓને જવાબદાર ઠેરવશે. તેનો હેતુ લોકોને પોતાની દુષ્ટતા બદલ પશ્ચાતાપ કરવા અરજ કરવાનો છે કે જેથી કરારના આશીર્વાદો પરિપૂર્ણ થાય. માલાખી દ્વારા લોકોને ઈશ્વર તરફ પાછા ફરવા વિષે આ ઈશ્વરની ચેતવણી હતી. જૂના કરારનું અંતિમ પુસ્તક સમાપ્ત થાય છે ત્યારે ઇઝરાયલીઓના કાનમાં ઈશ્વરનો ન્યાય તથા મસીહના આગમન દ્વારા ઈશ્વરના પુનઃસ્થાપનાના વચનની ઘોષણા સંભળાઈ રહી છે.
મુદ્રાલેખ
ઔપચારિકતાવાદ ઠપકો
રૂપરેખા
1. યાજકોને ઈશ્વરનું સન્માન કરવા બોધ — 1:1-2:9
2. યહૂદાને વિશ્વાસુ બનવા બોધ — 2:10-3:6
3. યહૂદાને ઈશ્વર પાસે પાછા ફરવા બોધ — 3:7-4:6
1
માલાખી મારફતે ઇઝરાયલી પ્રજાને પ્રગટ કરાયેલા યહોવાહનો વચન.
ઇઝરાયલ માટે યહોવાહનો પ્રેમ
યહોવાહ કહે છે કે, “મેં તને પ્રેમ કર્યો છે,” પણ તમે પૂછો છો કે, “કઈ બાબતે તમે અમને પ્રેમ કર્યો છે?” યહોવાહ કહે છે, “શું એસાવ યાકૂબનો ભાઈ ન હતો. “તોપણ મેં યાકૂબને પ્રેમ કર્યો, પણ મેં એસાવનો તિરસ્કાર કર્યો. મેં તેના પર્વતોને ઉજ્જડ બનાવી દીધા, તેના વારસાને મેં અરણ્યનાં શિયાળોનું સ્થાન બનાવી દીધું.”
જો અદોમ કહે કે, “અમારો વિનાશ થઈ ગયો છે, પણ અમે પાછા ફરીને ઉજ્જડ જગાઓને બાંધીશું;” તોપણ સૈન્યોના યહોવાહ કહે છે કે, “તેઓ બાંધશે, પણ હું તેનો નાશ કરીશ; અને લોકો તેને દુષ્ટતાનો દેશ અને લોકોને યહોવાહ જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે’ એવું કહેશે. તમે તમારી નજરે તે જોશો અને કહેશો કે, “ઇઝરાયલની સરહદોની પાર સર્વત્ર યહોવાહ મહાન છે.”
યાજકોને યહોવાહનો ઠપકો
“દીકરો પોતાના પિતાનો આદર કરશે, અને ચાકર પોતાના માલિકનો આદર કરશે. જો, હું તમારો પિતા છું તો, મારો આદર ક્યાં છે? અને જો માલિક છું તો મારું સન્માન ક્યાં છે? એવું મારા નામને ધિક્કારના યાજકો, યહોવાહ તમને પૂછે છે. પણ તમે કહ્યું, ‘અમે તમારા નામને કેવી રીતે ધિક્કારીએ છીએ?’ યહોવાહ કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર રોટલી ચઢાવીને પૂછો છો, “અમે તમને કેવી રીતે ભ્રષ્ટ કર્યા?’ એવું કહીને કે યહોવાહ મેજને ધિક્કારપાત્ર છે.
તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા રાજકર્તાને આપશો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે. અને હવે તમે ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો, કે જેથી તેઓ અમારા પર દયા કરે. “પણ તમારા આવાં જ અર્પણોને લીધે, શું તેઓ તમારામાંના કોઈને માયાળુપણે સ્વીકાર કરશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
10 “સભાસ્થાનના દરવાજા બંધ કરી દઈને મારી વેદી પર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો ઓહ કેવું સારુ હોત! હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી, એમ સૈન્યોના યહોવાહ કહે છે, હું તમારા હાથનું એક પણ અર્પણ સ્વીકારીશ નહિ. 11 સૈન્યોના યહોવાહ કહે છે, કેમ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રજાઓ વચ્ચે મારું નામ મહાન ગણાય છે; સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. સર્વ પ્રજાઓ મધ્યે મારું નામ મહાન ગણાય છે.” 12 પણ પ્રભુની મેજ અપવિત્ર છે, તેમનું ફળ તથા અન્ન ધિક્કારપાત્ર છે એવું કહીને તમે તેમનું અપમાન કરો છો.
13 વળી તમે કહો છો, “આ કેવું કંટાળાજનક છે,’ તમે તેની સામે છીંક્યા છો,” એમ સૈન્યોના યહોવાહ કહે છે. “તમે જોરજુલમથી પડાવી લીધેલાં અપંગ અને માંદાં પશુઓ લઈને આવો છો; અને એવાં બલિદાન મને ચઢાવો છો. તો શું હું તમારા હાથથી એવા અર્પણોનો સ્વીકાર કરું?” 14 “જે ઠગ માનતા માનીને પોતાના ટોળાંમાં નર જાનવર હોવા છતાં ખોડવાળાં પશુને પ્રભુ યહોવાહ માટે બલિદાનમાં ચઢાવે છે તે શાપિત થાઓ! કેમ કે હું મહાન રાજા છું, “મારું નામ પ્રજાઓ મધ્યે ભયાવહ છે.” એવું સૈન્યોના યહોવાહ કહે છે.