13
ઈસુએ કરેલી મંદિરના નાશની આગાહી
માથ. 24:1-2; લૂક 21:5-6
ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા. ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે, ‘ઉપદેશક, જુઓ, કેવાં પથ્થર તથા કેવાં બાંધકામો!’ ઈસુએ તેને કહ્યું કે, ‘શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.’ ”
દુઃખો અને સતાવણીઓ
જૈતૂન પહાડ પર, મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું, ‘અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?’ ”
ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો. ઘણાં મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાંઓને ગેરમાર્ગે દોરશે.
પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધની અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે.
પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે. 10  પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.
11  જયારે તેઓ તમને ધરપકડ કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે. 12  ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે. 13  મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.
ઉજ્જડના પાયમાલીની ધિક્કારપાત્રતાની નિશાની
માથ. 24:15-28; લૂક 21:20-24
14  પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય. 15  અગાશી પર હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા સારુ અંદર ન જાય; 16  અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે.
17  તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે! 18  તમારું નાસવું શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો; 19  કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહિ. 20  જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ ન બચત; પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે.
21  તે વેળાએ જો કોઈ તમને કહે કે, જુઓ, અહીં ખ્રિસ્ત છે; કે જુઓ, તે ત્યાં છે, તો માનશો નહિ. 22  કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે; તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે. 23  તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.
માણસના દીકરાનું મહિમાસહિત આવવું
માથ. 24:29-31; લૂક 21:25-28
24  પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, 25  આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે. 26  ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે. 27  ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.
અંજીરી પરથી દ્રષ્ટાંત શીખો
માથ. 24:32-35; લૂક 21:29-33
28  હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો; જયારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. 29  એમ જ તમે પણ જયારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે.
30  હું તમને નિશ્ચે કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 31  આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ. 32  પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ અને દીકરો પણ નહિ.
તે દિવસ કે તે ઘડી વિષે કોઈ જાણતું નથી
માથ. 24:36-44
33  સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. 34  તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય.
35  માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે! 36  એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. 37  અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’ ”