4
લેવીકુળના કહાથના ગોત્રને સોંપાયેલી ફરજ
1 યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, 2 લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો. 3 ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના બધા પુરુષો મુલાકાતમંડપનું કામ કરવા માટે સેવકપદમાં દાખલ થાય છે. તે સર્વની ગણતરી કરો. 4 મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના દીકરાઓનું કામ આ છે.
5 જ્યારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના દીકરાઓએ અંદર જઈને પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈને તેનાથી સાક્ષ્યકોશને ઢાંકી દેવો. 6 તે પર તેઓ સમુદ્ર ગાયના ચામડાનું આવરણ* 4:6 જુઓ : નિર્ગ. 25:5 કરે અને તેને નીલ રંગનાં વસ્ત્રોથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.
7 પછી તેઓએ અર્પેલી રોટલીની મેજ પર નીલ રંગનું વસ્ત્ર પાથરી દેવું, અને તેના પર થાળીઓ, ચમચા, તર્પણને માટે વાટકા મૂકવા; નિત્યની રોટલી તેના પર રહે. 8 તેના પર કિરમજી રંગનું વસ્ત્ર પાથરવું. અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકી દઈને તેને ઊચકવા માટેના દાંડા તેમાં નાખવા.
9 અને તેઓએ નીલ રંગનું વસ્ત્ર લઈને તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકે. 10 તે પછી આ સર્વ સામગ્રી સીલનાં ચામડાંનાં આવરણમાં નાખીને પાટિયા પર મૂકે. 11 પછી તેઓએ સોનાની વેદી નીલ રંગના વસ્ત્રોથી ઢાંકવી અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકે દઈને તેને ઊચકવાના દાંડાં તેમાં નાખે.
12 પછી તેઓ સેવાની સર્વ સામગ્રી કે જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે અને નીલ રંગનાં વસ્ત્રોમાં તે મૂકે. અને સીલનાં ચામડાંનું આવરણ કરીને ભૂંગળ તે પર મૂકે. 13 અને તેઓએ વેદી પરથી રાખ કાઢી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું વસ્ત્ર ઢાંકવું. 14 અને તેના પર તેઓ તેને માટે વપરાતી સર્વ સામગ્રી એટલે સગડીઓ, ત્રિપાંખિયાં તથા પાવડા, તપેલીઓ એટલે વેદીનાં સર્વ પાત્રો મૂકે; અને તેના પર તેઓ સીલ ચામડાનું આવરણ મૂકે. અને તેના ઉપાડવાના દાંડા તેમાં નાખે.
15 હારુન અને તેના દીકરાઓ જ્યારે છાવણી ઉપાડવાની હોય તે સમયે પવિત્રસ્થાનને અને પવિત્રસ્થાનની સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના દીકરાઓ તે ઊંચકવા માટે આવે; પરંતુ તેઓએ કોઈ પણ પવિત્ર વસ્તુઓને સ્પર્શ કરવો નહિ, રખેને તેઓ મૃત્યુ પામે. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દીકરાઓને ઊંચકવાનું તે એ છે. 16 અને હારુન યાજકના દીકરા એલાઝારનુ કામ આ છે; એટલે રોશનીને માટે તેલ, સુગંધી દ્રવ્ય નિત્યનું ખાદ્યાર્પણ તથા અભિષેક માટેનું તેલ તથા પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ તેઓએ રાખવાની છે.”
17 યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું કે, 18 “લેવીઓમાંથી કહાથના કુટુંબોના કુળને કાઢી નાખવાં નહિ. 19 પણ તેઓ પરમપવિત્ર વસ્તુઓની પાસે જઈ મૃત્યુ ન પામે પણ જીવતા રહે, તે માટે તમારે આ મુજબ કરવું. 20 તેઓ પવિત્ર વસ્તુઓને જોવાને માટે બિલકુલ અંદર ન જાય, કેવળ હારુન અને તેના દીકરાઓ અંદર પ્રવેશ કરે હારુન તેના દીકરા કહાથીઓને પોતપોતાની જવાબદારી ઠરાવી આપે.”
લેવીકુળના ગેર્શોનના ગોત્રને સોંપાયેલી ફરજ
21 યહોવાહે ફરી મૂસાને કહ્યું કે, 22 ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર. 23 મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં હાજર હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જે પુરુષો હોય તે સર્વની ગણતરી કરવી.
24 સેવા કરવામાં તથા વસ્તુઓ ઊંચકવામાં ગેર્શોનીઓના કુટુંબોનું કામ એ છે. 25 તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપનું આચ્છાદાન તથા તેની ઉપર સીલ ચામડાનું આચ્છાદન તથા મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો 26 તથા આંગણાના પડદા, મંડપની પાસેના તથા વેદીની આસપાસના આંગણાના દરવાજાના બારણાનો પડદો, તેઓની દોરીઓ, તેના કામને લગતાં સર્વ ઓજારો તથા જે કંઈ તેઓથી બને તે તેઓ ઊંચકી લે અને તેના સંબંધમાં તેઓ સેવા કરે.
27 ગેર્શોનીઓના દીકરાઓનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું સઘળું કામ હારુન તથા તેના દીકરાઓની આજ્ઞા મુજબ થાય. અને તમે તેઓને ભાર ઊંચકવાનું તથા સેવાનું કામ ઠરાવી આપો. 28 મુલાકાતમંડપમાં ગેર્શોનના દીકરાઓના કુટુંબોની સેવા આ છે. અને હારુન યાજકના દીકરા ઈથામારે તેઓના કામ પર દેખરેખ રાખવાની છે.
લેવીકુળના મરારીના ગોત્રને સોંપાયેલી ફરજ
29 અને મરારીના દીકરાઓની તેઓનાં પિતાઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ ગણતરી કરવાની છે. 30 ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે સઘળા અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી કર.
31 અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ એ છે. એટલે મંડપનાં પાટિયાં તથા તેના સ્થંભો તથા તેની કૂંભીઓ, 32 અને આંગણાની ચારે બાજુના સ્તંભો તેની કૂંભીઓ તથા તેઓની ખીલીઓ તથા તેઓની દોરીઓ અને તેઓના ઓજારો સુદ્ધાં તથા તેની સાધનસામગ્રી અને તેઓને સોંપેલા ભારના ઓજારોના નામ દઈને તેઓને ગણીને સોંપો.
33 મરારીના દીકરાઓનાં કુટુંબોનું કામ એટલે તેઓની સઘળી સેવા મુજબ મુલાકાતમંડપમાં હારુન યાજકના પુત્ર ઈથામારે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.”
લેવીઓની વસ્તી ગણતરી
34 અને મૂસા તથા હારુને અને જમાતના અન્ય આગેવાનોએ કહાથના દીકરાઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓનાં ઘર મુજબ કરી. 35 એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં દાખલ થયા 36 તેઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ બે હજાર સાતસો પચાસ પુરુષોની થઈ.
37 કહાથીઓના કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે કે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા મૂસાની મારફતે અપાયેલી યહોવાહની આજ્ઞા અનુસાર જેઓની ગણતરી મૂસા અને હારુને કરી તેઓ એ છે.
38 એ જ રીતે ગેર્શોનના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓનાં પિતાઓનાં કુટુંબો મુજબ કરી. 39 એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં દાખલ થયા હતા. 40 તેઓની ગણતરી તેઓનાં કુટુંબ મુજબ તેઓના પિતાઓના ઘર મુજબ બે હજાર છસો ત્રીસ થઈ.
41 ગેર્શોનના દીકરાઓનાં કુટુંબોમાં જેઓની ગણતરી થઈ એટલે કે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણતરી યહોવાહે આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને કરી તેઓ એ છે.
42 મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર મુજબ થઈ, 43 એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં દાખલ થયા હતા, 44 તેઓની ગણતરી તેઓના કુટુંબ મુજબ ત્રણ હજાર બસોની થઈ.
45 મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને કરી તેઓ એ છે.
46 લેવીઓમાં જે સર્વની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના આગેવાનોએ તેઓના કુટુંબો મુજબ, તેઓનાં પિતૃઓનાં ઘર મુજબ કરી. 47 એટલે કે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં તથા વસ્તુઓ ઊંચકવાનું કામ કરવા માટે દાખલ થયા હતા 48 તેઓની ગણતરી આઠ હજાર પાંચસો એંસી પુરુષોની થઈ.
49 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓની ગણતરી કરી. તેઓમાંના દરેકની ગણતરી તેઓનાં કામ મુજબ તથા તેઓના ઊંચકવાના બોજા મુજબ મૂસાની મારફતે યહોવાહની આજ્ઞા મુજબ કરવામાં આવી.