137
બંદીપ્રવાસીઓનું વિલાપગીત
અમે બાબિલની નદીઓને કિનારે બેઠા
અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું,
ત્યારે અમે રડ્યા.
ત્યાંનાં વૃક્ષો પર
અમે અમારી સિતારો લટકાવી દીધી.
અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે,
“સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
પણ આ વિદેશી ભૂમિ પર અમે
યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?
હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં,
તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.
જો હું તારા વિષે વિચાર ન કરું,
મારા મુખ્ય આનંદ કરતાં
જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં,
તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય* 137:6 હું કદી ગીત ન ગાઈ શકું.
હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું
તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો,
તેઓએ કહ્યું, “તેના પાયાઓને,
ઉખેડી નાખો, ઉખેડી નાખો.”
હે નાશ પામનારી બાબિલની દીકરી,
તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે
તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે.
જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર
પછાડે તે આશીર્વાદિત છે.

*137:6 137:6 હું કદી ગીત ન ગાઈ શકું