4
ઇબ્રાહિમના વિશ્વાસનો નમૂનો
1 તો મનુષ્યદેહે આપણા પૂર્વજ ઇબ્રાહિમને જે મળ્યું, તે વિષે આપણે શું કહીએ? 2 કેમ કે ઇબ્રાહિમ જો કરણીઓથી ન્યાયી ઠર્યો હોત, તો તેને આત્મપ્રશંસા કરવાનું કારણ છે, પણ ઈશ્વર આગળ નહિ. 3 કેમ કે શાસ્ત્રવચન શું કહે છે? કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને માટે ન્યાયીપણાને અર્થે ગણાયો.
4 હવે કામ કરનારને જે પ્રતિફળ મળે છે તે કૃપારૂપ ગણાતું નથી, પણ હકરૂપ ગણાય છે. 5 પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.
6 તે જ રીતે ઈશ્વર જે મનુષ્યને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે આશીર્વાદ આપે છે કે, 7 ‘જેઓનાં અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયા છે, તેઓ આશીર્વાદિત છે. 8 જેનાં પાપ પ્રભુ નહિ ગણે તે મનુષ્ય આશીર્વાદિત છે.’ ”
9 ત્યારે તે આશીર્વાદ સુન્નતીને જ આપવામાં આવ્યો છે, કે બેસુન્નતીને પણ? આપણે એવું તો કહીએ છીએ કે ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.’ ” 10 ત્યારે તે શી રીતે ગણાયો? તે સુન્નતી હતો ત્યારે? કે બેસુન્નતી હતો ત્યારે? સુન્નતી હતો ત્યારે નહિ, પણ બેસુન્નતી હતો ત્યારે જ.
11 અને તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું તેને મળ્યું હતું, તેની ઓળખ થવા માટે તે સુન્નતની નિશાની પામ્યો, જેથી સર્વ બેસુન્નતી વિશ્વાસીઓનો તે પૂર્વજ થાય કે તેઓને લેખે તે પણ વિશ્વાસનું ન્યાયીપણું ગણાય. 12 અને સુન્નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્નતી હતો તે સમયના તેના વિશ્વાસનાં પગલામાં જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય.
ઈસુનું વચન વિશ્વાસદ્વારા પ્રાપ્ત થઈ શકે
13 કેમ કે દુનિયાના વારસ થવાનું વચન ઇબ્રાહિમને કે તેના વંશજોને નિયમશાસ્ત્ર દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા મળ્યું હતું. 14 કેમ કે જો નિયમશાસ્ત્રને માનનારા વારસ હોય, તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ થાય છે. 15 કેમ કે નિયમશાસ્ત્ર તો કોપ ઉપજાવે છે, પણ જ્યાં નિયમ નથી ત્યાં અપરાધ પણ નથી.
16 તે વચન કૃપાથી થાય, અને વચન બધા વંશજોને માટે અચૂક થાય એટલે માત્ર જેઓ નિયમશાસ્ત્ર પાળે છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમનાં વિશ્વાસના છે, તેઓને માટે પણ થાય; 17 જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે અને જેમનાં પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે, જેમ લખ્યું છે કે, ‘મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ બનાવ્યો છે તેમ’.
18 આશાના કોઈ સંજોગ ન હોવા છતાં તેણે આશાથી વિશ્વાસ રાખ્યો, કે જેથી જે વચન આપેલું હતું કે, ‘તારો વંશ એવો થશે’, તે મુજબ તે ઘણી દેશજાતિઓનો પૂર્વજ થાય. 19 તે પોતે આશરે સો વર્ષનો હતો, તેનું શરીર હવે નજીવા જેવું થયું હતું અને સારાનું ગર્ભસ્થાન મૃતપાય હોવા છતાં તે વિશ્વાસમાંથી ડગ્યો નહિ.
20 ઈશ્વરના વચનને લક્ષમાં રાખીને, તેણે સંદેહ કે અવિશ્વાસ ન કર્યો; પણ ઈશ્વરને મહિમા આપીને, 21 તથા જે વચન તેમણે આપ્યું હતું તે પૂરું કરવાને પણ તેઓ સમર્થ છે, તેવો સંપૂર્ણ ભરોસો રાખીને તે વિશ્વાસમાં મક્કમ રહ્યો. 22 તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો.
23 હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, તે કેવળ તેને જ માટે લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે, 24 એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મૃત્યુ પામેલાઓમાંથી ઉઠાડનાર પર વિશ્વાસ કરીએ છીએ, તેઓને લેખે પણ ગણાશે. 25 તે આપણા અપરાધોને લીધે પરાધીન કરાય, ને આપણા ન્યાયીકરણને માટે પાછા ઉઠાડવામાં આવ્યા.