7
લગ્નના ઉદાહરણ દ્વારા સ્પષ્ટીકરણ
1 વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા જેઓ નિયમશાસ્ત્ર જાણે છે તેઓને હું કહું છું કે, મનુષ્ય જીવે ત્યાં સુધી તે નિયમશાસ્ત્રના નિયંત્રણમાં હોય છે?
2 કેમ કે જે સ્ત્રીને પતિ છે, તે તેના જીવતાં સુધી નિયમથી તેની સાથે બંધાયેલી છે, પણ જો તે મરી જાય તો તેના નિયમથી તે મુક્ત થાય છે. 3 તેથી જો પતિ જીવતો હોય અને તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારિણી નથી.
4 તે માટે, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તનાં શરીરદ્વારા નિયમશાસ્ત્ર સંબંધી મૃત છો, કે જેથી તમે બીજાના, એટલે જે મૃત્યુમાંથી સજીવન થયા છે તેમના થાઓ, કે આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ. 5 કેમ કે જયારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણાં અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી.
6 પણ હમણાં જેમાં આપણે બંધાયા હતા તેમાં આપણું મૃત્યુ થયાથી નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. તેથી નિયમશાસ્ત્રની જૂની રીતથી નહિ, પણ આત્માની નવી રીતથી સેવા કરીએ.
નિયમશાસ્ત્ર અને પાપ
7 ત્યારે આપણે શું કહીએ? શું નિયમશાસ્ત્ર પાપરૂપ છે? ના, એવું ન થાઓ; પરંતુ નિયમશાસ્ત્ર ન હોત તો મેં પાપ જાણ્યું ન હોત; કેમ કે નિયમશાસ્ત્રે જો કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો હું લોભ વિષે સમજ્યો ન હોત. 8 પણ પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો; કેમ કે નિયમશાસ્ત્ર વિના પાપ નિર્જીવ છે.
9 હું તો અગાઉ નિયમશાસ્ત્ર વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યુ પામ્યો; 10 જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલૂમ પડ્યું.
11 કેમ કે પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મને છેતર્યો અને તે દ્વારા મને મારી નાખ્યો. 12 તે માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારી છે.
13 ત્યારે જે હિતકારી છે, તે શું મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ; પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા દ્વારા તો પાપનો વ્યાપ વધી જાય, એ માટે જે હિતકારી છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું. 14 કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર આત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું.
વિશ્વાસી મનુષ્યમાં વસતા બે સ્વભાવ
15 કેમ કે હું જે કરું છું, તે હું સમજથી કરતો નથી, કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે કરું છું. 16 પણ હું જે ઇચ્છતો નથી તે જો કરું છું, તો હું નિયમશાસ્ત્ર વિષે માનું છું કે, નિયમશાસ્ત્ર સારું છે.
17 તો હવે જે ન કરવું જોઈએ તે હું નથી કરતો, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે. 18 કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી.
19 કેમ કે જે સારું કરવાની હું ઇચ્છા રાખું છું તે કરતો નથી; પણ જે દુષ્ટતા હું ઇચ્છતો નથી તે કરું છું. 20 હવે જે હું ઇચ્છતો નથી તે હું કરું છું કેમ કે મારામાં જે પાપ વસે છે તે, તે કાર્ય કરે છે. 21 તો મને એવો નિયમ માલૂમ પડે છે, કે જયારે સારું કરવા હું ઇચ્છું છું ત્યારે દુષ્ટતા મારામાં હાજર હોય છે.
22 કેમ કે હું આંતરિક મનુષ્યત્વ પ્રમાણે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં આનંદ કરું છું. 23 પણ મારાં અંગોમાં હું એક અલગ નિયમ જોઉં છું, જે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં પાપનો જે નિયમ છે તેના બંધનમાં મને લાવે છે.
24 હું કેવો દુઃખિત મનુષ્ય! કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે? 25 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું, તે માટે હું પોતે મનથી ઈશ્વરના નિયમશાસ્ત્રની, પણ દેહથી પાપના સિદ્ધાંતની, સેવા કરું છું.