9
ઈશ્વર અને તેમના પસંદ કરેલા લોકો
1 હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું અસત્ય બોલતો નથી, મારું અંતઃકરણ પણ પવિત્ર આત્મામાં મારી સાક્ષી છે કે, 2 મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં ખૂબ જ વેદના થાય છે.
3 કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગાં સંબંધીઓને બદલે હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કૃત થાઉં, એવી જાણે કે મને ઇચ્છા થાય છે. 4 તેઓ ઇઝરાયલી છે અને દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે. 5 પૂર્વજો તેઓના છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે; તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે. આમીન.
6 પણ ઈશ્વરનાં આશાવચનો જાણે કે વ્યર્થ ગયા હોય તેમ નથી. કેમ કે જેઓ ઇઝરાયલના વંશજો છે તેઓ બધા જ ઇઝરાયલી નથી. 7 તેમ જ તેઓ ઇબ્રાહિમનાં વંશજો છે માટે બધાં જ તેનાં સંતાનો છે, એવું પણ નથી; પણ એવું લખેલું છે કે, ‘ઇસહાકથી તારો વંશ ગણાશે.’ ”
8 એટલે જેઓ દૈહિક સંતાનો છે, તેઓ ઈશ્વરનાં સંતાનો છે એમ નહિ; પણ જેઓ વચનનાં સંતાનો છે, તેઓ જ વંશ ગણાય છે. 9 કેમ કે વચન આ પ્રમાણે છે કે, ‘આ સમયે હું આવીશ અને સારાને દીકરો થશે.’ ”
10 માત્ર એટલું જ નહિ, પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પિતા ઇસહાકથી ગર્ભ ધર્યો 11 અને સંતાનોના જન્મ અગાઉ જયારે તેઓએ કંઈ પણ સારું કે ખરાબ કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો હેતુ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડનારની ઇચ્છા પર આધાર રાખે, 12 માટે રિબકાને એમ કહેવામાં આવ્યું કે, ‘મોટો દીકરો નાનાની ચાકરી કરશે.’ ” 13 જે પ્રમાણે લખેલું છે કે, ‘મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવ પર દ્વેષ કર્યો.
14 ત્યારે આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, તેવું ન થાઓ; 15 કેમ કે તે મૂસાને કહે છે કે, ‘જેનાં ઉપર હું દયા કરવા ચાહું, તેના ઉપર હું દયા કરીશ; અને જેનાં ઉપર હું કરુણા કરવા ચાહું, તેના ઉપર હું કરુણા કરીશ.’ ” 16 માટે તે તો ઇચ્છનારથી નહિ અને દોડનારથી નહિ, પણ દયા કરનાર ઈશ્વરથી થાય છે.
17 વળી શાસ્ત્રવચન ફારુનને કહે છે કે, ‘તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું, અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે.’ ” 18 તે માટે તે ચાહે તેના પર દયા કરે છે; અને ચાહે તેને હઠીલો કરે છે.
ઈશ્વરના ક્રોધ અને કૃપા
19 ત્યારે તું મને કહેશે કે, ‘એવું છે તો તે કેમ દોષ કાઢે છે? કેમ કે તેમની ઇચ્છાની વિરુદ્ધ કોણ થઈ શકે છે?’ 20 પણ ભલા માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સામો સવાલ કરે છે? જે ઘડાયેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે કે, ‘તેં મને આવું કેમ બનાવ્યું?’ 21 શું કુંભારને એક જ માટીના એક ભાગનું ખાસ વપરાશ માટે તથા બીજાનું સામાન્ય વપરાશ માટે પાત્ર બનાવવાને માટી ઉપર અધિકાર નથી?
22 જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય પ્રગટ કરવાની ઇચ્છા રાખીને નાશને પાત્ર થયેલાં કોપના પાત્રોનું ઘણી ધીરજથી સહન કર્યું; 23 અને જો મહિમાને માટે અગાઉથી તૈયાર કરેલાં દયાના પાત્રો પર. 24 એટલે આપણા પર જેઓને તેમણે ફક્ત યહૂદીઓમાંથી નહિ, પણ બિનયહૂદીઓમાંથી પણ તેડ્યાં છે તેઓ પર, પોતાના મહિમાની સંપત્તિ જણાવવાં તેમની મરજી હતી તો તેમાં ખોટું શું?
25 જેમ કે તેઓ હોશિયાના પુસ્તકમાં પણ કહે છે કે, ‘જેઓ મારા લોક ન હતા તેઓને હું મારા લોક અને જે પ્રિય ન હતી તેને હું પ્રિય કહીશ. 26 અને એમ થશે કે જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોકો નથી, ત્યાં તેઓ ‘જીવતા ઈશ્વરના દીકરાઓ’ કહેવાશે.”
27 વળી યશાયા ઇઝરાયલ સંબંધી ઘાંટો પાડીને કહે છે કે, જોકે ‘ઇઝરાયલના સંતાનોની સંખ્યા સમુદ્રની રેતીના જેટલી હોય, તોપણ તેનો શેષ જ ઉદ્ધાર પામશે’ 28 કેમ કે પ્રભુ પોતાનું વચન જલદીથી અને સંપૂર્ણપણે પૃથ્વી પર અમલમાં લાવશે.’ ” 29 એમ જ યશાયાએ અગાઉ પણ કહ્યું હતું કે, ‘જો સૈન્યોના પ્રભુએ આપણે સારુ બીજ રહેવા દીધું ન હોત, તો આપણા હાલ સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.’ ”
ઇઝરાયલ અને સુવાર્તા
30 ત્યારે આપણે શું અનુમાન કરીએ? કે બિનયહૂદીઓ ન્યાયીપણાની શોધ કરતા ન હતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.’ ” 31 પણ ઇઝરાયલ ન્યાયીપણું આપનાર નિયમશાસ્ત્રને અનુસર્યા છતાં તે ન્યાયીપણાને પહોંચી શક્યા નહિ.
32 કેમ નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે કરણીઓથી તેને શોધતાં હતા. તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી; 33 જેમ લખેલું છે કે ‘જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકરરૂપ ખડક મૂકું છું, જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.