10
ઇઝરાયલનો થનાર ઉદય
1 વસંતઋતુમાં વરસાદ માટે યહોવાહને પોકારો.
તે યહોવાહ છે જે માણસો તથા છોડને માટે વરસાદ મોકલે છે,
તે વીજળીઓને ઉત્પન્ન કરે છે.
2 કેમ કે મૂર્તિઓ જૂઠું બોલે છે, અને ભવિષ્ય ભાખનારાઓ જૂઠાં ભવિષ્ય કથન કરે છે;
સ્વપ્ન જોનારાઓ ખોટાં સ્વપ્નો વર્ણવે છે અને ખોટો દિલાસો આપે છે;
તેથી લોકો ટોળાંની જેમ રખડે છે, તેઓ દુ:ખી છે કેમ કે તેઓને દોરનાર કોઈ પાળક નથી.
3 મારો કોપ પાળકો વિરુદ્ધ સળગ્યો છે; તે નર બકરાઓ, એટલે આગેવાનોને હું શિક્ષા કરીશ; કેમ કે સૈન્યોના યહોવાહે યહૂદાને, તેના પોતાના ટોળાંઓની ખબર લીધી છે, તે તેઓને પોતાના યુદ્ધના ઘોડા જેવા બનાવશે.
4 તેમાંથી ખૂણાનો મુખ્ય પથ્થર, ખીલો, યુદ્ધધનુષ્ય અને દરેક આગેવાનો બહાર આવશે. 5 તેઓ યુદ્ધમાં પોતાના દુશ્મનોને શેરીઓના કાદવની જેમ કચડી નાખનાર યોદ્ધાઓના જેવા થશે; તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવાહ તેઓની સાથે છે, ઘોડેસવારો ગભરાઈ જશે.
6 “હું યહૂદાના કુટુંબને બળવાન કરીશ અને યૂસફના કુટુંબનો ઉદ્ધાર કરીશ, કેમ કે હું તેઓને પુનઃસ્થાપિત કરીશ અને મને તેમના પર દયા આવે છે. જાણે કે મેં તેઓને કદી તજી દીધા ન હોય તેવા થશે, કેમ કે, હું યહોવાહ, તેમનો ઈશ્વર છું અને હું તેઓની વિનંતી સાંભળીશ. 7 એફ્રાઇમના વંશજો યોદ્ધા જેવા થશે, તેમનાં હૃદય દ્રાક્ષારસ પીધો હોય એમ આનંદ કરશે, તેમના લોકો જોશે અને તેઓને ખુશી થશે. તેમના હૃદય યહોવાહમાં આનંદ પામશે.
8 હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ, કેમ કે મેં તેઓને બચાવ્યા છે, અગાઉ જેમ તેઓની વૃદ્ધિ થઈ હતી તેવી રીતે તેઓની વૃદ્ધિ થશે. 9 જો હું તેમને પ્રજાઓ મધ્યે વાવીશ, તોપણ તેઓ દૂરના દેશોમાં મારું સ્મરણ કરશે, તેઓ પોતાના બાળકો સહિત જીવશે અને પાછા આવશે. 10 વળી હું તેઓને મિસર દેશમાંથી પાછા લાવીશ અને આશ્શૂરમાંથી તેઓને એકત્ર કરીશ. હું તેઓને ગિલ્યાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ અને ત્યાં પણ તેઓની એટલી બધી વૃદ્ધિ થશે કે તેઓને પૂરતી જગ્યા મળશે નહિ.
11 તેઓ સંકટરૂપી સમુદ્ર પાર કરશે; તેઓ મોજાંઓને હઠાવશે, નીલ નદીના સર્વ ઊંડાણો સુકાઈ જશે, આશ્શૂરનો ગર્વ ઉતારવામાં આવશે અને મિસરનો રાજદંડ તેઓની પાસેથી જતો રહેશે. 12 હું તેઓને મારામાં બળવાન કરીશ અને તેઓ મારે નામે ચાલશે.” એવું યહોવાહ કહે છે.