લેવી. 8. યહોવાહે મૂસાને કહ્યું હતું, “હારુન તથા તેની સાથે તેના પુત્રો વસ્ત્રો, અભિષેકનું તેલ, પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટા તથા બેખમીર રોટલીઓની ટોપલી લે. મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આખી સભાને ભેગી કરે.” તેથી મૂસાએ યહોવાહના કહેવા પ્રમાણે કર્યું, સમગ્ર સભા મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થઈ. પછી મૂસાએ તે સભાને જણાવ્યું કે, “યહોવાહે જે ક્રિયા કરવાની આજ્ઞા આપી હતી તે આ છે.” મૂસાએ હારુન તથા તેના પુત્રોને લાવીને પાણીથી સ્નાન કરાવ્યું. તેણે હારુનને ઉપવસ્ત્રો પહેરાવ્યાં અને તેની કમરે કમરબંધ બાંધીને જામો પહેરાવ્યો અને તેને એફોદ પહેરાવીને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો. તેણે તેને ઉરપત્રક પહેરાવીને ઉરપત્રકમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જોડી દીધા. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, તેણે તેને માથે પાઘડી પહેરાવી અને પાઘડીના આગળના ભાગમાં તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ લગાવ્યો. મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે સર્વને પવિત્ર કર્યા. તેણે વેદી પર સાત વખત તેલ છાંટીને વેદીને તથા તેના સર્વ વાસણોને, હોજને તથા તેના તળિયાને પવિત્ર કરવા સારુ તેઓનો અભિષેક કર્યો. તેણે હારુનના માથા પર અભિષેકનું તેલ રેડ્યું અને તેને પવિત્ર કરવા સારુ તેનો અભિષેક કર્યો. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ, તેણે હારુનના પુત્રોને ઝભ્ભાઓ પહેરાવ્યાં અને તેની કમરે કમરબંધ બાંધ્યા અને માથે પાઘડી બાંધી. મૂસા પાપાથાર્પણને માટે બળદને આગળ લાવ્યો અને હારુને તથા તેના પુત્રોએ પાપાર્થાર્પણના બળદના માથા પર તેઓના હાથ મૂક્યા. તેણે તે કાપ્યો અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીનાં શિંગની આસપાસ તે ચોપડ્યું અને વેદીને શુદ્ધ કરીને બાકીનું રક્ત વેદીના પાયામાં તેને માટે રેડી દીધું અને ઈશ્વરને માટે તેને અલગ કરીને પવિત્ર કરી. તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કલેજા પરની ચરબી અને બન્ને મૂત્રપિંડો તથા તે પરની ચરબી લીધી અને મૂસાએ વેદી પર તેનું દહન કર્યુ. પણ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ, તેણે બળદનું ચામડું, તેનું માંસ અને છાણ છાવણી બહાર અગ્નિમાં બાળી નાખ્યાં. મૂસાએ દહનીયાર્પણનો ઘેટો રજૂ કર્યો અને હારુને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા. મૂસાએ તેને મારી નાખીને તેનું રક્ત વેદીની આસપાસ છાંટ્યું. મૂસાએ તે ઘેટાંને કાપીને તેના ટુકડા કર્યા અને તેનું માથું, ચરબી તથા બધા ટુકડાનું દહન કર્યું. તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા અને વેદી પર આખા ઘેટાંનું દહન કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબનું એ દહનીયાર્પણ હતું. તે યહોવાહને સારુ હોમયજ્ઞ હતું. પછી મૂસાએ બીજા ઘેટાંને, એટલે કે પ્રતિષ્ઠાના ઘેટાંને રજૂ કર્યો અને હારુન તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર હાથ મૂક્યા. હારુને તે કાપ્યો અને મૂસાએ તેનું થોડું રક્ત લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું. તે હારુનના પુત્રોને લાવીને તેમના જમણા કાનની ટીશી પર, તેમના જમણા હાથના અંગૂઠા પર તથા તેમના જમણા પગના અંગૂઠા પર થોડું રક્ત લગાડ્યું. પછી મૂસાએ વેદીની ચારે બાજુએ રક્ત છાંટ્યું. તેણે ચરબી, જાડી પૂંછડી, આંતરડાં પરની સઘળી ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડો અને તેની ચરબી તેમ જ જમણી જાંઘ લીધી. જે બેખમીર રોટલીની ટોપલી યહોવાહની સમક્ષ હતી, તેમાંથી તેણે એક બેખમીરી ટુકડો તથા તેલમાં મોહેલી એક નાની રોટલી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણી જાંઘ ઉપર મૂક્યાં. તેણે આ બધું હારુન તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાહ સમક્ષ અર્પણો કર્યા. પછી મૂસાએ તે બધું તેમના હાથમાંથી પાછું લઈને દહનીયાર્પણને માટે વેદી પર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને માટે હતા. તે યહોવાહને માટે એક અર્પણની ભેટ હતી. મૂસાએ પશુની છાતી લઈને યહોવાહની સમક્ષ તેનું અર્પણ કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, એ તો યાજકના સંકલનના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો. મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું રક્ત લઈને હારુન તથા તેનાં વસ્ત્રો પર, તેના પુત્રો પર તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્ત્રો પર છાંટ્યું. આ રીતે તેણે હારુનને તથા તેના વસ્ત્રોને અને તેના પુત્રોને તથા તેઓના વસ્ત્રોને પવિત્ર કર્યાં. તેથી મૂસાએ હારુનને તથા તેના પુત્રોને કહ્યું, “મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે માંસ બાફો અને જેમ મેં આજ્ઞા કરીને કહ્યું, ‘હારુન તથા તેના પુત્રો તે ખાય,’ તે પ્રમાણે તમે પ્રતિષ્ઠાની ટોપલીમાં જે રોટલી છે તેની સાથે તે ત્યાં ખાઓ. તે માંસ તથા રોટલીમાંથી જે બાકી રહે તે અગ્નિમાં બાળી નાખજો. સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે મુલાકાતમંડપનું પ્રવેશદ્વાર છોડી બહાર જવું નહિ. કેમ કે સાત દિવસ સુધી યહોવાહ તમારી પ્રતિષ્ઠા કરશે. તમારે માટે પ્રાયશ્ચિત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાહે આજ્ઞા કરી છે. તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની આજ્ઞા પાળવી, જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે.” તેથી હારુન તથા તેના પુત્રોએ યહોવાહે મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું.