1 કાળ.. 24. હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર. નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા. સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા. એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા. તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા. નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું. પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી. ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની, પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની, સાતમી હાક્કોસની, આઠમી અબિયાની, નવમી યેશૂઆની, દસમી શખાન્યાની, અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની, તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની, પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની, સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની, ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની, એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની, ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી. ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો. લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા. રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો. ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ. હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ. ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર. મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા. મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો. મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી. માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા. કીશનો પુત્ર: યરાહમેલ. મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા. તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.