અયૂબ. 9. ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, હા, “હું જાણું છું કે એમ જ છે. પરંતુ માણસ ઈશ્વરની આગળ કેવી રીતે ન્યાયી ઠરે? જો તે તેમની સાથે દલીલ કરવાને ઇચ્છે, તો હજાર પ્રશ્રનોમાંથી એકનો પણ જવાબ તે તેમને આપી શકશે નહિ. ઈશ્વર જ્ઞાની તથા પરાક્રમી છે, તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે? તે પર્વતોને ખસેડે છે અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે. ત્યારે તેઓને તેની ખબર પડતી નથી. તે પૃથ્વીને હલાવીને પોતાના સ્થળેથી ખસેડે છે. અને તેના સ્થંભો કંપે છે. તે એ જ ઈશ્વર છે જે સૂર્યને આજ્ઞા કરે છે અને તે ઊગતો નથી, અને જે તારાઓને ઢાંકી દે છે. તેમણે એકલે હાથે આકાશને વિસ્તાર્યું છે, અને સમુદ્રના મોજા પર ચાલે છે. જેમણે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકા, અને દક્ષિણનાં નક્ષત્રમંડળ સર્જ્યા છે. ઈશ્વર અદ્દભુત અને મહાન કાર્યોના કર્તા છે. હા, અગણિત ચમત્કારી કાર્યોના કર્તા છે. જુઓ, તે મારી બાજુમાંથી પસાર થાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી; તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી. તે પકડી લે તો તેમને કોણ રોકી શકે? તેમને કોણ પૂછી શકે કે, ‘તમે શું કરો છો?’ ઈશ્વર તેમનો કોપ પાછો ખેંચી નહિ લેશે; અભિમાનીઓને સહાય કરનારાઓ તેની આગળ નમી પડે છે. ત્યારે તેમને ઉત્તર આપવાને, તથા તેમની સાથે વાદવિવાદ કરવાને યોગ્ય શબ્દ ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું? જો હું ન્યાયી હોત છતાં હું તેમને જવાબ આપી ન શકત; હું મારા ન્યાયાધીશ પાસે કાલાવાલા કરત. જો મેં તેમને બોલાવ્યા હોત અને તેમણે મને ઉત્તર આપ્યો હોત, તોપણ મને ખાતરી છે કે તે મારું સાંભળશે નહિ. તે મને કચરી નાખવા તોફાન મોકલશે. કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે. તે મને શ્વાસ લેવા દેતા નથી, પણ મને મુશ્કેલીઓથી ભરપૂર કરે છે. જો આપણે બળ વિષે કહીએ કે, શા માટે તે બળવાન છે! અને જો ન્યાય વિષે બોલીએ ‘તો તે કહે છે, કે કોણ મને પ્રશ્ન પૂછી શકે?’ જો હું નિર્દોષ હોઉં, તોપણ મારે પોતાને મુખે હું દોષિત ઠરીશ; જો હું સંપૂર્ણ હોઉં, તોપણ તે મને ભ્રષ્ટ ઠરાવશે. હું સંપૂર્ણ છું, પણ મારી પોતાની પરવા કરતો નથી હું મારા જીવનને ધિક્કારું છું. પરંતુ દરેક વસ્તુ સરખી જ છે. તેથી હું કહું છું કે તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ નાશ કરે છે. જો ફટકાથી તત્કાળ મોત નીપજે, તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે. પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે. ઈશ્વર તેઓના ન્યાયાધીશોના મુખ ઢાંકે છે. જો તે કૃત્ય તેઓનું ન હોય તો પછી બીજું કોણ કરે છે? મારા દિવસો એક દોડવીર કરતાં પણ વધારે ઝડપી છે. મારા દિવસો વેગે વહી રહ્યા છે અને તેમા કંઈ હિત નથી. તેઓ ઝડપથી પસાર થતા કાગળના વહાણની જેમ, તથા પોતાના શિકાર પર તૂટી પડતા ગરુડની જેમ ચાલ્યા જાય છે. જો હું એમ કહું કે ‘હું મારા દુ:ખ વિષે ભૂલી જઈશ. હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ. હું મારી સઘળી વ્યથા વિષે ડરું છું. હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણો. હું દોષિત જ ઠરવાનો છું; તો હું શા માટે ફોકટ શ્રમ કરું છું? જો હું બરફના પાણીથી મારું શરીર ધોઉં અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું, તોપણ ઈશ્વર મને ખાઈમાં નાખી દેશે, અને મારાં પોતાનાં જ વસ્ત્રો મને કંટાળો આપશે. કેમ કે તે મારા જેવા માણસ નથી કે હું તેમને ઉત્તર આપું, કે, અમે તેના ન્યાયાસન આગળ વાદીપ્રતિવાદી થઈએ. અમારી વચ્ચે કોઈ મધ્યસ્થ નથી કે, જે અમારા બન્ને ઉપર પોતાનો હાથ મૂકે. જો ઈશ્વર પોતાની સોટી મારા પરથી લઈ લે અને તે મને ડરાવે નહિ. તો હું તેમનો ડર રાખ્યા વગર બોલું. પણ જેમ હમણાં છે તેમ, હું તે કરી શકું નહિ.