અયૂબ. 34. અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે: “હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો.” જેમ જીભ અન્નના સ્વાદને પારખી શકે છે તેમ કાન પણ શબ્દોને પારખી શકે છે. આપણે પોતાને માટે શું સારું છે તે પસંદ કરીએ આપણે પોતાનામાં સારું શું છે તેની શોધ કરીએ. કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું ન્યાયી છું, અને ઈશ્વરે મારો હક લઈ લીધો છે. હું ન્યાયી છું છતાં હું જૂઠાબોલા તરીકે ગણાઉં છું. મારા જખમ જીવલેણ છે; છતાં પણ હું પાપ વિનાનો છું.’ અયૂબના જેવો માણસ કોણ છે, કે જે ધિક્કારને પાણીની જેમ સરળતાથી પીએ છે, તે દુષ્ટતા કરનારા લોકોની સંગતમાં રહે છે, અને તે દુષ્ટ લોકોની સાથે ફરે છે. તેણે કહ્યું છે કે, ‘ઈશ્વર જે ઇચ્છે છે તે કરવામાં માણસને કોઈ ફાયદો નથી.’” તેથી હે શાણા માણસો, મારું સાંભળો: ઈશ્વર કદાપિ કંઈ ખોટું કરે જ નહિ; અને સર્વશક્તિમાન ઈશ્વર કદાપિ કંઈ અનિષ્ટ કરે જ નહિ. કારણ કે તે વ્યક્તિને તેના કામ પ્રમાણે બદલો આપે છે; તેઓ દરેક માણસને તેનો બદલો આપશે. ખરેખર, ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ, અથવા સર્વશક્તિમાન ઈશ્વર કદાપિ અન્યાય કરે નહિ. કોણે તેમને પૃથ્વીની જવાબદારી આપી છે? કોણે તેમને દરેક વસ્તુઓ પર સત્તા આપી છે? જો તે માત્ર પોતાના જ ઇરાદા પાર પાડે જો ઈશ્વર પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે, તો સર્વ માણસો નાશ પામે; અને માણસ જાત ફરી પાછી ધૂળ ભેગી થઈ જાય. જો તમારામાં સમજશક્તિ હોય તો, મને સાંભળો; મારા શબ્દો ધ્યાનમાં રાખો. જે ન્યાયને ધિક્કારે, તે શું કદી રાજ કરી શકે? ઈશ્વર જે ન્યાયી અને પરાક્રમી છે, તેમને શું તું દોષિત ઠરાવીશ? ઈશ્વર કદી રાજાને કહે છે કે, ‘તું નકામો છે,’ અથવા રાજકુમારોને કહે છે કે, ‘તમે દુષ્ટ છો?’ ઈશ્વર અધિકારીઓ પર પક્ષપાત કરતા નથી અને ધનવાનોને ગરીબ લોકો કરતાં વધારે ગણતા નથી, કારણ કે તેઓ સર્વ તેમના હાથે સર્જાયેલા છે. એક ક્ષણમાં તેઓ મૃત્યુ પામશે; મધરાતે લોકો ધ્રૂજશે અને નાશ પામશે; મહાન લોકો અદ્રશ્ય થઈ જાય છે, પણ માણસોના હાથથી નહિ. કારણ કે, ઈશ્વરની નજર માણસની ચાલચલગત પર હોય છે; તે તેની સઘળી વર્તણૂક જુએ છે. દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઈ પડદો કે અંધકાર નથી. કેમ કે ઈશ્વરને લોકોની પરીક્ષા કરવાની જરૂર નથી; કોઈ માણસને તેમના ન્યાયાસન સમક્ષ જવાની જરૂર નથી. ઈશ્વર શક્તિશાળી લોકોને પણ ભાંગે છે કેમ કે તેઓના માર્ગો એવા છે કે તેને માટે વધારાની તપાસ કરવાની જરૂર નથી; તેઓ તેમને સ્થાને અન્યને નિયુકત કરે છે. આ પ્રમાણે તેઓનાં કામોને પારખે છે; તેઓ રાતોરાત એવા પાયમાલ થાય છે કે તેઓ નાશ પામે છે. દુષ્ટ લોકો તરીકે તેઓને તેઓનાં દુષ્ટકૃત્યોને લીધે ખુલ્લી રીતે સજા કરે છે કેમ કે તેઓ તેમને અનુસરવાને બદલે પાછા હઠી ગયા છે અને તેમના માર્ગને અનુસરવાનો ઇનકાર કરે છે. આ પ્રમાણે તેઓએ ગરીબોનો પોકાર ઈશ્વર સુધી પહોંચાડ્યો છે; તેમણે દુ:ખીઓનું રુદન સાંભળ્યું છે. જયારે તે શાંત રહે છે ત્યારે કોણ તેમને દોષિત ઠરાવી શકે છે? પણ જો તે પોતાનું મુખ સંતાડે તો કોણ તેમને જોઈ શકે? તે પ્રજા અને રાષ્ટ્ર પર સમાન રીતે રાજ કરે છે, કે જેથી અધર્મી માણસ સત્તા ચલાવે નહિ, એટલે લોકોને જાળમાં ફસાવનાર કોઈ હોય નહિ. શું કોઈએ ઈશ્વરને એમ કહ્યું છે કે, ‘હું નિશ્ચે ગુનેગાર છું, પણ હવેથી હું પાપ કરીશ નહિ; હું જે સમજતો નથી તેનું મને શિક્ષણ આપ; મેં પાપ કર્યું છે પણ હવેથી હું પાપ કરીશ નહિ.’ તું ઈશ્વરનો ઇનકાર કરે છે એટલે શું તને લાગે છે કે ઈશ્વર તે માણસનાં પાપને બદલે તેને સજા કરશે? એ નિર્ણય તારે લેવાનો છે, મારે નહિ. માટે જે કંઈ તું જાણે છે તે કહે. ડાહ્યો માણસ મને કહેશે, ખરેખર, દરેક જ્ઞાની માણસ મને સાંભળે છે તે કહેશે, ‘અયૂબ જ્ઞાન વગર બોલે છે; તેના શબ્દો ડહાપણ વિનાના છે.’ દુષ્ટ માણસ જેવો જવાબ આપવાને લીધે અયૂબની અંત સુધી કસોટી કરવામાં આવે તો કેવું સારું! “કેમ કે તે પોતાનાં પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે; તે આપણી મધ્યે અપમાન કરીને તાળીઓ પાડે છે; તે ઈશ્વરની વિરુદ્ધ લાંબી વાતો કરે છે.”