ગી.શા.. 45. મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નિમ; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ. પ્રેમ વિષે ગીત. મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે. તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે. હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો. સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે. તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે. ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે. તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે. તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે. રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે. હે દીકરી, સાંભળ, કાન ધર; તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા. આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર. તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે. રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે. શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે. તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે. તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો. હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.