ગી.શા..
136.
યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવનારની સ્તુતિ કરો; કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડાવી લાવ્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 
આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.