ગી.શા.. 144. દાઉદનું ગીત. યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે. તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, તમે દેશોને મારે તાબે કરો છો. હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો? માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે. હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે. વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો. ઉપરથી તમારા હાથ લંબાવો; ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો વિદેશીઓના હાથમાંથી મને બચાવો. તેઓનાં મુખ જૂઠું બોલે છે અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે. હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ. તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તલવારથી બચાવ્યો. મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો તેઓનું મુખ મિથ્યા બોલે છે તેઓના જમણા હાથો કપટના હાથો છે. અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ. અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ. અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો. જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.