નીતિ.. 2. મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે; જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે. કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે. તે સત્યજનોને માટે ખરું ડહાપણ સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે. તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વિશ્વાસુ લોકોની કાળજી લે છે. ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે. તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે. વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે. તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે, જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે. જ્યારે તેઓ દુષ્ટતા કરે છે ત્યારે તેઓ તે કરવામાં આનંદ માણે છે અને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે. તેઓ આડા માર્ગોને અનુસરે છે અને જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે. વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે. તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે. કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે. તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી. તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે. કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે. પણ દુર્જનો દેશમાંથી નાબૂદ થશે અને અવિશ્વાસુઓને તેમાંથી ઉખેડી નાખવામાં આવશે.