નીતિ.. 14. દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે. જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે. મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે. જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે. વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ, પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે. હાંસી ઉડાવનાર ડહાપણ શોધે છે પણ તેને જડતું નથી, પણ ડાહી વ્યક્તિ પાસે ડહાપણ સહેલાઈથી આવે છે. મૂર્ખ માણસથી દૂર રહેવું, તેની પાસે તને જ્ઞાનવાળા શબ્દો સાંભળવા નહિ મળે, પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું ડહાપણ છે, પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે. મૂર્ખ પ્રાયશ્ચિત્તને હસવામાં ઉડાવે છે, પણ પ્રામાણિક માણસો ઈશ્વરની કૃપા મેળવે છે. અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે, અને પારકા તેના આનંદમાં જોડાઈ શકતો નથી. દુષ્ટનું ઘર પાયમાલ થશે, પણ પ્રામાણિકનો તંબુ સમૃદ્ધ રહેશે. એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે, પણ અંતે તેનું પરિણામ તો મરણનો માર્ગ નીવડે છે. હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે, અને હર્ષનો અંત શોક છે. પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે. ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે. જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે. જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે. ભોળા લોકો મૂર્ખાઈનો વારસો પામે છે, પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે. દુષ્ટોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, અને જેઓ દુષ્ટ છે તેઓને સદાચારીઓને બારણે નમવું પડે છે. ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા મિત્રો હોય છે. પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે. ભૂંડી યોજનાઓ ઘડનાર શું ભૂલ નથી કરતા? પણ સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય પ્રાપ્ત થશે. જ્યાં મહેનત છે ત્યાં લાભ પણ હોય છે, પણ જ્યાં ખાલી વાતો જ થાય ત્યાં માત્ર ગરીબી જ આવે છે. જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે, પણ મૂર્ખોની મૂર્ખાઈ તે જ તેમનો બદલો છે. સાચો સાક્ષી જીવનોને બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણું ઉચ્ચારે છે. યહોવાહનાં ભયમાં દૃઢ વિશ્વાસ સમાયેલો છે, તેનાં સંતાનોને તે આશ્રય આપે છે. મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે, યહોવાહનો ભય જીવનનો ઝરો છે. ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે, પણ પ્રજા વિના શાસક નાશ પામે છે. જે ક્રોધ કરવામાં ધીમો છે તે વધારે સમજુ છે, પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને પ્રદર્શિત કરે છે. હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે. ગરીબ પર જુલમ કરનાર તેના સર્જનહારનું અપમાન કરે છે, પણ ગરીબ પર કૃપા રાખનાર તેને માન આપે છે. દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી નાખવામાં આવશે, પરંતુ ન્યાયી માણસને પોતાના મૃત્યુમાં પણ આશા હોય છે. બુદ્ધિમાનના હૃદયમાં ડહાપણ વસે છે, પણ મૂર્ખના અંતરમાં ડહાપણ નથી હોતું તે જણાઈ આવે છે. ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે. બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ બદનામી કરાવનાર પર તેમનો ક્રોધ ઊતરે છે.