નીતિ.. 24. દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર. કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે. ડહાપણ વડે ઘર બંધાય છે અને બુદ્ધિથી તે સ્થિર થાય છે. ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે. બહાદુર માણસ બળવાન હોય છે, પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે. કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે અને વધારે સલાહકારીઓમાં સલામતી છે. ડહાપણ એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; તે જાહેરમાં પોતાનું મુખ ખોલી શકતો નથી. જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે તેને લોકો ઉપદ્રવી પુરુષ કહેશે. મૂર્ખની યોજનાઓ પાપી છે અને લોકો બડાઈ કરનારને ધિક્કારે છે. જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, તો તારું બળ થોડું જ છે. જેઓને મોત માટે ઘસડી જવામાં આવે છે તેઓને છોડાવ જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ. જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા.” તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું તેનો વિચાર કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ? મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે, મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે. ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે, જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે અને તારી આશા વ્યર્થ જશે નહિ. હે દુષ્ટ માણસ, સજ્જનના ઘર આગળ લાગ જોઈ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ. કારણ કે નીતિમાન માણસ સાત વાર પડશે તોપણ તે પાછો ઊભો થશે, પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જશે. જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ. નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે. દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ અને દુષ્ટોની અદેખાઈ ન કર. કારણ કે દુર્જનોનું કોઈ ભવિષ્ય નથી અને દુષ્ટોનો દીવો હોલવાઈ જશે. મારા દીકરા, યહોવાહનું તથા રાજાનું ભય રાખ; બળવાખોરો સાથે કશો સંબંધ ન રાખ, કારણ કે તેઓના પર અચાનક આફત આવી પડશે અને તે બન્નેના તરફથી આવતા વિનાશની ખબર કોને છે? આ પણ જ્ઞાનીઓનાં વચન છે. ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી. જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે,” તે લોકો દ્વારા શાપિત ગણાશે અને પ્રજાઓ તેને ધિક્કારશે. પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે. જે કોઈ સાચો જવાબ આદરપૂર્વક આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે. તારું બહારનું કામ તૈયાર રાખ અને તારા ખેતરનું કામ તૈયાર કર અને ત્યારપછી તારું ઘર બાંધ. વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી પૂરીશ નહિ અને તારા હોઠોથી ઠગાઈ ન કર. એમ ન કહે કે, “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ; તેને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.” હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષવાડી પાસે થઈને જતો હતો; ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, જમીન કાંટાથી છવાઈ ગઈ હતી અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો. પછી મેં જોયું અને વિચાર કર્યો; હું સમજ્યો અને મને શિખામણ મળી. હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે.