નીતિ.. 29. જે માણસ વારંવાર ઠપકો પામવા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માતમાં નાશ પામશે, તેનો કોઈ ઉપાય રહેશે નહિ. જ્યારે ન્યાયી લોકો સત્તા પર આવે છે ત્યારે લોકો આનંદોત્સવ કરે છે, પણ જ્યારે દુષ્ટોના હાથમાં સત્તા આવે છે ત્યારે તેઓ નિસાસા નાખે છે. જે કોઈ ડહાપણને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે, પણ જે ગણિકાઓની સાથે સંબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે. નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા આપે છે, પણ જે લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે. જે માણસ પોતાના પડોશીનાં ખોટાં વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે. દુષ્ટ માણસ પોતાના પાપના ફાંદામાં ફસાય છે, પણ નેકીવાન માણસ ગીતો ગાય છે અને આનંદ કરે છે. નેકીવાન માણસ ગરીબોના હિતની ચિંતા રાખે છે; દુષ્ટ માણસ તે જાણવાની દરકાર પણ કરતો નથી. તિરસ્કાર કરનાર માણસો શહેર સળગાવે છે, પણ ડાહ્યા માણસો રોષને સમાવે છે. જ્યારે ડાહ્યો માણસ મૂર્ખ સાથે વાદવિવાદમાં ઊતરે છે, ત્યારે કાં તો તે ગુસ્સે થાય છે અગર તે હસે છે, પણ તેને કંઈ નિરાંત વળતી નથી. લોહીના તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે. મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બહાર ઠાલવે છે, પણ ડાહ્યો માણસ પોતાની જાતને કાબૂમાં રાખે છે અને ક્રોધ સમાવી દે છે. જો કોઈ શાસનકર્તા જૂઠી વાતો સાંભળવા માટે ધ્યાન આપે, તો તેના સર્વ સેવકો ખરાબ થઈ જાય છે. ગરીબ માણસ તથા જુલમગાર માણસ ભેગા થાય છે; અને તે બન્નેની આંખોને યહોવાહ પ્રકાશ આપે છે. જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનું રાજ્યાસન સદાને માટે સ્થિર રહેશે. સોટી તથા ઠપકો ડહાપણ આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે. જ્યારે દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે પાપ વધે છે; પણ નેકીવાનો તેઓની પડતી થતી જોશે. તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે અને તે તારા આત્માને આનંદ આપશે. જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો મર્યાદા છોડી દે છે, પણ નિયમના પાળનાર આશીર્વાદિત છે. માત્ર શબ્દોથી ગુલામોને સુધારી શકાશે નહિ, કારણ કે તે સમજશે તો પણ ગણકારશે નહિ. શું તેં ઉતાવળે બોલનાર માણસને જોયો છે? તેના કરતાં કોઈ મૂર્ખ તરફથી વધારે આશા રાખી શકાય. જે માણસ પોતાના ચાકરને નાનપણથી વહાલપૂર્વક ઉછેરે છે, આખરે તે તેનો દીકરો થઈ બેસશે. ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે અને ગુસ્સાવાળો માણસ ઘણા ગુના કરે છે. અભિમાન માણસને અપમાનિત કરે છે, પણ નમ્ર વ્યક્તિ સન્માન મેળવે છે. ચોરનો ભાગીદાર તેનો પોતાનો જ દુશ્મન છે; તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી. માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે. ઘણા માણસો અધિકારીની કૃપા શોધે છે, પણ ન્યાય તો યહોવાહ પાસેથી જ મળી શકે છે. અન્યાયી માણસ નેકીવાનને કંટાળાજનક છે, અને નેકીવાન દુષ્ટોને કંટાળાજનક છે.