સભા.. 7. સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે. જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે. ઉજવણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે. કેમ કે પ્રત્યેક મનુષ્યની જિંદગીનો અંત મૃત્યુ જ છે. જીવતો માણસ તે વાત પોતાના હૃદયમાં ઠસાવી રાખશે. હાસ્ય કરતાં ખેદ સારો છે. કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે. જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે પણ મૂર્ખનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે. કોઈ માણસે મૂર્ખનું ગીત સાંભળવું તેના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો તે સારું છે કેમ કે જેમ સગડી પરના પાત્રની નીચે કાંટાનો ભડભડાટ હોય છે તેમ મૂર્ખનું હાસ્ય છે એ પણ વ્યર્થતા છે. નિશ્ચે જુલમ મનુષ્યને મૂર્ખ બનાવે છે, તે તેની સમજશકિતનો નાશ કરે છે. કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે, અને અભિમાની મનુષ્ય કરતાં ધૈર્યવાન મનવાળો મનુષ્ય સારો છે. ક્રોધ કરવામાં ઉતાવળો ન થા કેમ કે ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે. “અગાઉના દિવસો હાલનાં કરતાં વધારે સારા હતા એનું કારણ શું છે?” એવું તું ન પૂછ કારણ કે આ વિશે પૂછવું તે ડહાપણ ભરેલું નથી. બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે અને સૂર્ય જોનારાઓ માટે તે વધુ ઉત્તમ છે. દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે, પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવની રક્ષા કરે છે. ઈશ્વરનાં કામનો વિચાર કરો; તેમણે જેને વાંકુ કર્યુઁ છે તેને સીધું કોણ કરી શકશે? ઉન્નતિના સમયે આનંદ કર. પણ વિપત્તિકાળે વિચાર કર; ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે. જેથી ભવિષ્યમાં શું થશે તેમાંનું કશું જ માણસ શોધી શકતો નથી. આ બધું મેં મારા વ્યર્થપણાના દિવસોમાં જોયું છે. એટલે નેક પોતાની નેકીમાં મૃત્યુ પામે છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા હોવા છતાં લાંબુ આયુષ્ય ભોગવે છે. પોતાની નજરમાં વધારે નેક ન થા. કે વધારે દોઢડાહ્યો ન થા એમ કરીને શા માટે પોતાનો વિનાશ નોતરે છે? અતિશય દુષ્ટ ન થા તેમ જ મૂર્ખ પણ ન થા. તેમ કરીને શા માટે તું અકાળે મૃત્યુ પામે? દુષ્ટતાને તું વળગી ન રહે, પણ નેકીમાંથી તારો હાથ પાછો ખેંચી ન લેતો. કેમ કે જે માણસ ઈશ્વરનો ડર રાખે તે એ સર્વમાંથી મુક્ત થશે. દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિશાળી બનાવે છે. જે હંમેશા સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો એક પણ નેક માણસ પૃથ્વી પર નથી. વળી જે જે શબ્દો બોલવામાં આવે છે. તે સર્વને લક્ષમાં ન લે. રખેને તું તારા ચાકરને તને શાપ દેતા સાંભળે. કેમ કે તારું પોતાનું અંત:કરણ જાણે છે કે તેં પણ કેટલીય વાર બીજાઓને શાપ દીધા છે. મેં આ સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે મેં કહ્યું કે, “હું બુદ્ધિમાન થઈશ,” પણ તે બાબત મારાથી દૂર રહી. ‘ડહાપણ’ ઘણે દૂર અને અતિશય ઊંડુ છે તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. તેને કોણ શોધી કાઢી શકે? હું ફર્યો મેં જ્ઞાન મેળવવાને તથા તેને શોધી કાઢવાને તથા તેના મૂળ કારણની માહિતી મેળવવાને અને દુષ્ટતા એ મૂર્ખાઈ છે, અને મૂર્ખાઈએ પાગલપણું છે એ જાણવા મેં મારું મન લગાડ્યું. તેથી મેં જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધન સમાન છે તેવી સ્ત્રી. જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે, પરંતુ પાપી તેની જાળમાં સપડાઈ જશે. સભાશિક્ષક કહે છે; “સત્ય શોધી કાઢવા માટે’ બધી વસ્તુઓને સરખાવી જોતાં મને આ માલૂમ પડ્યું કે, તેને મારું હૃદય હજી શોધ્યા જ કરે છે પણ તે મને મળતું નથી. હજારોમાં મને એક પુરુષ મળ્યો છે, પણ એટલા બધામાં મને એક પણ સ્ત્રી મળી નથી. મને ફક્ત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યો છે ખરો પરંતુ તેણે ઘણી યુકિતઓ શોધી કાઢી છે.