યશા.. 43. પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા અને હે ઇઝરાયલ, તારા બનાવનાર યહોવાહ એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. જ્યારે તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; અને તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. જ્યારે તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ અને જ્વાળા તને બાળશે નહિ. કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર તારો ઉદ્ધારનાર છું. મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. કેમ કે તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન તથા સન્માન પામેલો છે, મેં તારા પર પ્રેમ કર્યો છે. તેથી હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ. તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; હું તારાં સંતાન પૂર્વથી લાવીશ અને પશ્ચિમથી તેઓને એકત્ર કરીશ. હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે;’ અને દક્ષિણને કહીશ, ‘તેઓને અટકાવીશ નહિ;’ મારા દીકરાઓને વેગળેથી અને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ, જે સર્વને મારા નામમાં બોલાવવામાં આવ્યા છે, જેઓને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે તેઓને લાવ; મેં તેઓને બનાવ્યા છે; હા મેં તેઓને પેદા કર્યા છે. જે લોકો આંખો હોવા છતાં અંધ છે અને કાન છતાં બધિર છે, તેઓને આગળ લાવ. સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’ યહોવાહ કહે છે, “તમે મારા સાક્ષી છો,” અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું. મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી. હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉદ્ધારક નથી. મેં તો જાહેર કર્યું છે, બચાવ કર્યો છે અને સંભળાવ્યું છે, કે તમારામાં કોઈ અન્ય દેવ નથી. તમે મારા સાક્ષી છો” અને “હું જ ઈશ્વર છું” એમ યહોવાહ કહે છે. વળી આજથી હું તે છું અને કોઈને મારા હાથમાંથી છોડાવનાર કોઈ નથી. હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે?” તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલના પવિત્ર યહોવાહ કહે છે: “તમારે માટે હું બાબિલને મોકલીશ અને તેઓને બંદીવાસના રૂપમાં નીચે લઈ જઈશ અને બાબિલનો આનંદ, વિલાપના ગીતમાં ફેરવાઈ જશે. હું યહોવાહ, તમારો પવિત્ર, ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું.” જે યહોવાહ સમુદ્રમાં માર્ગ અને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે, જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે; તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે. તમે અગાઉની વાતોનું સ્મરણ કરશો નહિ, પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ. જુઓ, હું એક નવું કામ કરનાર છું; તે હમણાં શરૂ થશે; શું તમે તે સમજી શકતા નથી? હું તો અરણ્યમાં માર્ગ તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. જંગલનાં હિંસક પશુઓ, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે, કારણ કે, મારા પસંદ કરેલા લોકોને પીવા માટે હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, જેથી તેઓ મારી સ્તુતિ કરશે. પણ હે યાકૂબ, તેં મને વિનંતી કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી કાયર થઈ ગયો છે. તારાં દહનીયાર્પણોનાં એક પણ ઘેટાંને તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞોથી તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો ચઢાવ્યો નથી, કે ધૂપ માગીને તને કાયર કર્યો નથી. તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી; પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે. હું, હા, હું એ જ છું, જે પોતાની ખાતર તારા અપરાધોને માફ કરું છું; અને તારાં પાપોને હું સંભારીશ નહિ. જે થયું તે મને યાદ કરાવ. આપણે પરસ્પર વિવાદ કરીએ; તું તારી હકીકત રજૂ કર જેથી તું ન્યાયી ઠરે. તારા આદિપિતાએ પાપ કર્યું અને તારા આગેવાનોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે. તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે; હું યાકૂબને વિનાશના બંધનમાં તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખીશ.