મીખાહ. 2. જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે. તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે; તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે. તેઓ માણસને અને તેના ઘરને, માણસને તથા તેના વારસા પર જુલમ કરે છે. તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે. તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે, અને તમારે માટે વિલાપનાં ગીતો ગાઈને રુદન કરશે. તેઓ ગાશે કે, ‘આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે, મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે યહોવાહ અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે!” એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહિ મળે. તેઓ કહે છે, પ્રબોધ કરશો નહિ. તેઓએ આ બાબતોનો પ્રબોધ કરવો નહિ; આપણી ઉપર આ લાંછન દૂર થવાનું નથી.” હે યાકૂબના વંશજો શું આવું કહેવાશે કે, યહોવાહનો આત્મા સંકોચાયો છે? આ શું તેમના કાર્યો છે? જેઓ નીતિમત્તાથી ચાલે છે, સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી? પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે. જેઓ એવું વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી પાછા ફરતા લોકોની જેમ સુરક્ષિત છે, તેવા નિર્ભયપણે ચાલતાં લોકોના વસ્ત્રમાંથી તમે ઝભ્ભા ઉતારી નાખો છો. મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો; અને તેઓનાં બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો. ઊઠો, ચાલ્યા જાઓ, કેમ કે જ્યાં તમે રહો છો એ તમારું સ્થાન નથી, કેમ કે તેની અશુદ્ધિ; હા ભયંકર વિનાશકારક મલિનતા એ તેનું કારણ છે. જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે, “હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે. હે યાકૂબ હું નિશ્ચે તારા સર્વ લોકોને ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને ભેગા કરીશ. હું તેમને વાડાનાં ઘેટાંની જેમ ભેગા કરીશ તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ તેઓ લોકોના ટોળાને લીધે મોટો ઘોંઘાટ કરશે. છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે; રાજા તેઓની પહેલાં પસાર થઈ ગયો છે, યહોવાહ તેમના આગેવાન છે.