માથ.. 7. કોઈનો ન્યાય ન કરો અને તમારો ન્યાય નહિ કરાશે. કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે. તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી? અથવા તું તારા ભાઈને કેવી રીતે કહી શકે કે ‘મને તારી આંખમાંથી ફોતરું કાઢવા દે’; પણ જો, તારી પોતાની જ આંખમાં ભારોટીયો છે? ઓ ઢોંગી! પ્રથમ તું પોતાની જ આંખમાંથી ભારોટીયો કાઢ, ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે. જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; એમ ન થાય કે તેઓ તે પોતાના પગ તળે છૂંદે અને તમને ફાડી નાખે. માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે. કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે દરવાજા ઉઘાડવામાં આવશે. તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે? માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપવા જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને સારાં વાનાં આપશે? માટે જે કંઈ તમે ઇચ્છો છો કે બીજા લોકો તમારા પ્રત્યે કરે, તેવું તમે પણ તેઓ પ્રત્યે કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર તે છે. તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. જે જૂઠાં પ્રબોધકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો. તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરાં પરથી અંજીર તોડે છે? તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે. સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી. દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. જેઓ મને ‘પ્રભુ, પ્રભુ,’ કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે. તે દિવસે ઘણાં મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે દુષ્ટાત્માઓને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં? ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, ‘મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’” એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તે એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ. જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તે એક મૂર્ખ માણસની જેમ છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું. વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો. ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા, કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે તે તેઓને ઉપદેશ કરતા હતા.