માર્ક. 2. થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’” તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા. ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા. ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાં તેમના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યો. ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’” પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે, ‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’” તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો? આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’” પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે ‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’” તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’” ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો. રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો. એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા. શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’” ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’” યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, ‘યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું કારણ શું?’” ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી. પણ એવા દિવસો આવશે કે જયારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.’” નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે. નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે. એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા. ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’” તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી? એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’” તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ; માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”