યોહ.. 4. હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે. ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા, ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા. સમરુનમાં થઈને તેમને જવું પડ્યું. માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા. ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી. એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’” તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા. ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?’ કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી. ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.’” સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય? અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?’” ઈસુએ તેને કહ્યું કે, ‘જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે; પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’” સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.’” ઈસુએ તેને કહ્યું કે, ‘જા, તારા પતિને અહીં બોલાવી લાવ.’” સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘મારે પતિ નથી.’” ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘તારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.” સ્ત્રીએ કહ્યું કે. ‘પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે. અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.’” ઈસુએ તેને કહ્યું કે, ‘સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે. પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે. ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.’” સ્ત્રીએ તેમને કહ્યું કે ‘મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.’” ઈસુએ કહ્યું કે, ‘તારી સાથે જે બોલે છે તે હું છું.’” એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’” પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે, ‘આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?’” ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા. તેટલાંમાં શિષ્યોએ તેમને વિનંતી કરી કે, ‘ગુરુજી, ભોજન કરો.’” પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાસે ખાવા માટે ભોજન છે કે જેનાં વિષે તમે જાણતા નથી.’” શિષ્યોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એમને માટે શું કોઈ કંઈ જમવાનું લાવ્યો હશે?’” ઈસુએ તેઓને કહ્યું કે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે.” તમે શું નથી કહેતાં કે, ‘ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે. જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવન માટે ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે. કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, ‘એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.’” જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.’” જે સ્ત્રીએ સાક્ષી આપી કે, ‘મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,’ તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, ‘તમે આવીને અમારી સાથે રહો;’ અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા. તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો; તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, ‘હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.’” બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા. કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, ‘પ્રબોધકને પોતાના પિતાના વતનમાં કંઈ માન નથી.’” જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા. ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો. તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, ‘આવીને મારા દીકરાને સાજો કરો;’ કેમ કે તે મરવાની અણી પર હતો. ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‘ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.’” તે અધિકારીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.’” ઈસુ તેને કહે છે કે, ‘ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.’ જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો. તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે.’” તેણે તેઓને પૂછ્યું કે, ‘કયા સમયથી તે સાજો થવા લાગ્યો?’ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.’” તેથી પિતાએ જાણ્યું કે, “જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ સમયે એમ થયું;” અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો. ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજું ચમત્કારિક ચિહ્ન કર્યું.