પ્રે.કૃ.. 3. પ્રાર્થનાની વેળાએ, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન ભક્તિસ્થાનમાં જતા હતા. જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાની પાસે તે ભીખ માંગી શકે. તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માગી. ત્યારે પિતર તથા યોહાને તેની સામે એકીટસે જોઈને કહ્યું કે, અમારી તરફ જો. તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓના પર ધ્યાન આપ્યું. પણ પિતરે કહ્યું કે, સોનુંચાંદી તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં નામે ચાલતો થા. પિતરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી. તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો; લોકોએ તેને ઓળખ્યો કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવા બેસતો હતો તે એ જ છે; અને તેને જે થયું હતું તેથી લોકો બહુ આશ્ચર્ય પામ્યા. તે સાજો કરાયેલો માણસ પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક, સુલેમાન નામની પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇઝરાયલી માણસો, આ જોઈ તમે આશ્ચર્ય કેમ પામો છો? અને જાણે અમારા સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી અમે તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીઘારીને જોઈ રહ્યા છો? ઇબ્રાહિમનાં, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેમને તમે પકડાવ્યા અને પિલાતે તેમને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તેની આગળ તમે તેમનો નકાર કર્યો હતો. તમે તે પવિત્ર તથા ન્યાયીનો વિરોધ કર્યો, અને અમારે સારુ એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને, તમે જીવનનાં અધિકારી ઈસુને મારી નાખ્યા; તેમને ઈશ્વરે મૂએલાંઓમાંથી સજીવન કર્યા; અને અમે તેના સાક્ષી છીએ. આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામ પરના વિશ્વાસે શક્તિમાન કર્યો; હા, તમો સર્વની આગળ ઈસુ પરના વિશ્વાસે તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે. હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું. પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખદ્વારા અગાઉથી જે કહ્યું હતું કે, ‘તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે’, તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું. માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારાં પાપ માફ કરવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે; અને ખ્રિસ્ત જેમને તમારે સારુ ઠરાવવામાં આવ્યા છે, તેમને એટલે ઈસુને, તેઓ મોકલે. ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાનાં સમયો સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ. મૂસાએ તો કહ્યું હતું કે, ‘પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેમનું સાંભળવું. જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે’. વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલાં પ્રબોધકો બોલ્યા છે, તે સર્વએ પણ આ દિવસો વિષે કહ્યું છે. તમે પ્રબોધકોના સંતાન છો, અને ‘ઇબ્રાહિમનાં સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુટુંબ આશીર્વાદિત થશે,’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો. ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરી, તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તે તમને દરેકને તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને આશીર્વાદ આપે.